– વેપારીઓ કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે ધંધો કરવા તૈયાર પણ અવ્યવહારૂ સમય બદલવા માગ
સુરત,તા.21 મે 2021 : કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં કરફ્યુ યથાવત રાખવા સાથે સમયની પાબંધી સાથે દુકાનો ખોલવાનો નિયમ કર્યો છે.સરકાર દ્વારા જે સમય નક્કી કરવામાં આવ્યો છે તેના કારણે વહેલી સવારે જ ધંધો થતો હોય તેવા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.વેપારીઓ કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે ધંધો કરવા માટે તૈયાર છે પરંતુ અવ્યવહારૂ સમય બદલવા માટેનીં માગણી કરી રહ્યાં છે.પાનના ગલ્લા ચાલુ છે પરંતુ જીમ બંધ હોવાથી તેને પણ શરૂ કરવા માટેની માગણી થઈ રહી છે.
ગુજરાત સરકારે આજથી પ્રતિબંધ હળવો કર્યો છે પરંતુ તેની સાથે દુકાનો ખોલવા માટેની સમયની પાબંધી લાદી દીધી છે.સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણવાગ્યા સુધી ભીડ ન થાય તેવી રીતે દુકાનો ખોલવા માટેની મજુરી આપી છે.સરકારના આ નિયમના કારણે ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.સવારે 9 વાગ્યે દુકાનો ખોલવા માટેનો આદેશ આપ્યો છે પરંતુ દુધ,ફુલની દુકાન અને ચાની કીટલી પર તથા ખાણી પીણની દુકાન લારીઓ પર સવારે સાતથી નવ વાગ્યા સુધી વધુ ઘરાકી રહે છે.
જો સરકારના નિયમ મુજબ જો આવી દુકાનો ખોલવામાં આવે તો તેઓને રોજગારી પુરતી નહી મળે તેવી ફરિયાદ ઉઠી છે.આવા લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે સરકાર કોવિડની જે ગાઈડ લાઈન કહેશે તેનો અમે અમલ કરવા તૈયાર છીએ પરંતુ સવારે નવ વાગ્યાનો સમય રાખ્યો છે તેના બદલે સવારે છ કે સાત વાગ્યાનો સમય રાખવામાં આવે તો નાના વેપારીઓ અને ગલ્લાવાળાઓને રાહત થઈ શકે છે.
જોકે, આજના દિવસે તો પાલિકા અને પોલીસે 9 વાગ્યા પહેલા ખુલેલી દુકાનો સામે કોઈ કાર્યવાહી કરી નથી પરંતુ જો આગામ દિવસોમાં આવી કામગીરી કરવામાં આવશે તો નાના વેપારીઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.સરકારે ચાની કીટલી અને પાન-માવાના ગલ્લા ખોલવા માટેની મંજુરી આપી છે આવી જ રીતે બોગ બગીચા ખુલ્લા નથી પરંતુ વોક વે ખુલ્લા છે.ગાર્ડન બંધ હોવાથી લોકો વોક વેમાં ભેગા થઈરહ્યાં છે અને પાનના ગલ્લા અને ચાની લારીઓ પર લોકોની ભીડ જોવા મળે છે.પરંતુ હેલ્થ કોન્સીયન્સ લોકો માટે જીમ ખુલ્લા કરવામા ંઆવ્યા નથી તેથી કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે જીમ ખોલવા માટેની માગણી પણ લોકો કરી રહ્યાં છે.


