– વન વિભાગના એડિશનલ સેક્રેટરીએ જ ફેક વીડિયો જાહેર કર્યો
– લોકોને ગેરમાર્ગે દોરીને વાહવાહી લૂંટી
– ગીરના સિંહોની વાસ્તવિક સ્થિતિ શું છે?
ગુજરાત સરકારના અધિકારીઓમાં પોતાની છબી ચમકાવવાની હોડ હોય તે સર્વવિદિત છે પણ સિંહોનો વીડિયો શેર કરીને રાજીવ ગુપ્તાની ગેમ પકડાઈ છે.થોડાક જ દિવસ પહેલા ગુજરાત પર વાવાઝોડું ત્રાટક્યું હતું,રાજ્યમાં વાવાઝોડાના કારણે ગીરના સિંહોને લઈને ચિંતા ઊભી થઈ હતી જે બાદ એવી અફવા પણ ફેલાઈ હતી કે ગીરના જંગલમાંથી કેટલાક સિંહ બહાર નીકળી ગયા છે જોકે તે બાદ વન વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે સિંહ સુરક્ષિત છે.જોકે વાહવાહી લૂંટવાની ઉતાવળમાં ગુજરાતના જાણીતા અધિકારી જે સરકારની ખૂબ નજીકના ગણાય છે તેમણે ફેક વીડિયો શેર કર્યો.
પ્રજાની સાથે સરકારને પણ ગેરમાર્ગે દોરી!
ગુજરાત રાજ્યના વન તથા પર્યાવરણ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ ગીરના સાવજો સુરક્ષિત છે તે દર્શાવતું એક ટ્વીટ કર્યુ અને દાવા સાથે કહ્યું કે ગીરના આકોલવાડી રેન્જનો આ ખૂબ જ દુર્લભ વીડિયો સામે આવ્યો છે.તેમના ટ્વિટ બાદ કેન્દ્ર સરકારના મંત્રી પ્રકાશ જાવડેકરે પણ તેમણે પીઠ થાબડી પરંતુ કદાચ રાજીવ ગુપ્તાને કદાચ ખ્યાલ ન હતો કે સોશ્યલ મીડિયા એ ખૂબ જ નાની દુનિયા સમાન છે અને તેમની ચોરી પકડાઈ ગઈ.ગણતરીના કલાકોમાં જ સામે
આવ્યું કે આફ્રિકાનો વીડિયો ગીરનો બતાવીને હીરો બનતા રાજીવ ગુપ્તા ખોટા છે અને તેમનો વીડિયો પણ ખોટો છે.તેમણે શેર કરેલો વીડિયો તો ફેબ્રુઆરી મહિનામાં જ સોશ્યલ મીડિયામાં આફ્રિકાના જંગલ દ્વારા શેર કરી દેવામાં આવ્યો હતો.
આ રીતે જ વહીવટ ચલાવે છે રાજીવ ગુપ્તા?
રાજીવ ગુપ્તા જેમના શિરે જ વન વિભાગનું કામ નિર્ભર કરે છે જો તેમને જ ગીર અને આફ્રિકાના સિંહ વચ્ચેનો ફરક નથી ખબર તો સવાલ થાય છે કે તે કયા પ્રકારનો વહીવટ ગુજરાતના વન્ય પ્રાણીઓ માટે કરતાં હશે.સરકારની સામે સારા બનવા માટે રાજીવ ગુપ્તાએ લોકોને ગેરમાર્ગે દોર્યાં હોવાનું મનાઈ રહ્યું છે.
ગીરના સિંહોની વાસ્તવિક સ્થિતિ પર ઉઠી રહ્યા છે ગંભીર સવાલ
રાજીવ ગુપ્તાના આ ટ્વિટથી ન માત્ર ગુજરાતની જનતા પણ સાથે કેન્દ્રીય મંત્રી પણ ગેરમાર્ગે દોરાયા છે ત્યારે ગીરના જંગલમાં રહેતા સિંહોની સ્થિતિ વિષે પણ ગંભીર સવાલ ઊભા થયા છે.ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આફ્રિકાનો વીડિયો બતાવીને ગીરની વાસ્તવિકતા છુપાવવામાં આવી રહી હોવાની આશંકા પણ છે.આ વિવાદ બાદ હવે જંગલમાં સિંહની સાચી સ્થિતિ શું છે તેના પર સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.


