તાપી : તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા બિલ્ડરની હત્યા કરનાર ચાર આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. ત્યારબાદ વ્યારા પોલીસે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને મુંબઈના અંધેરીથી ઝડપી પાડ્યો છે.જોકે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે.આરોપીઓએ બિલ્ડર નિશિષ શાહ ઉપર તલવાર અને ચપ્પુ વડે ઉપરા છાપરી 10 થી 15 જેટલા ઘા મારી હત્યા કરી નાંખી હતી.
તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે રાયકવાડમાં રહેતા નિશિષ શાહ કે જે ગત તા-14 મે ના રોજ રાત્રિના સમયે વૃંદાવાડી હનુમાનજી મંદિર પાસે તરબૂચની લારી આગળ ઊભા હતા ત્યારે એક કાર ચાલકે તેમની મોપેડને ટક્કર મારતા નિશિષ શાહ રોડ ઉપર પડ્યા હતા.અને ત્યારબાદ કારમાંથી ચાર જેટલા વ્યક્તિઓ નીચે ઉતરી તલવાર અને ચપ્પુ વડે નિશિષ શાહ પર ઉપરા છાપરી 10 થી 15 જેટલા ઘા મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા.આ ગુનામાં વ્યારા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી મન્નુ માલિયા ઓરિસ્સાવાલા, દેવા મરાઠી અને નવીન ખટીકની શોધખોળ હાથ ધરી હતી.જેમાં વ્યારા પોલીસે મુંબઈના અંધેરીથી દેવા મરાઠી નામના આરોપીને ઝડપી પાડ્યો છે.આમ નિશિષ શાહ હત્યા પ્રકરણમાં પોલીસે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.જ્યારે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.


