– કોવિડ સેન્ટરમાં પહોંચ્યા ત્યારે તબીબ કે નર્સિંગનો જીવ જાગ્યો ઇન્જેક્શન ભરતી વખતે ઠઠ્ઠા મશ્કરી પણ કરી તે એકદમ ગંભીર બાબત
– લોકોમાં રોષ ભાજપના રાજમાં બસ હવે આજ બાકી રહ્યું હતુ
– સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા ઝાલાવાડીયાની અધ્યક્ષતામાં કોવિડ કાર્યશાળા શરૃ કરી પેજ પ્રમુખનો પ્રશિક્ષિત કરવા જોઇએ
સુરત : માત્ર છ ચોપડી જ ભણેલા કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા કોરોનાની ગંભીર સ્થિતિમાં સુરતના સરથાણા કોવિડ સેન્ટરમાં ફિલ્મી સ્ટાઇલમાં મુન્નાભાઇ એમબીબીએસ બનીને દર્દીની બોટલમાં જાતેજ ઇન્જેકશન મુકી રહ્યાનો વિડીયો વાયરલ થતા ટ્રોલ થયા હતા.સૌથી મહત્વની વાત એ છે કે એકબાજુ દર્દીની હાલત ગંભીર હતી અને બીજી બાજુ ધારાસભ્ય કાર્યકરો સાથે સીરીંજમાં ઇન્જેકશન ભરતા ભરતા ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા.
કોરોનાની ગંભીર સ્થિતિમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે સુરત મ્યુનિ.ના સહયોગથી સરથાણા ખાતે કોવિડ સેન્ટર કાર્યરત છે.આ સેન્ટર કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી ત્યાં મદદ કરી રહ્યા છે.ધારાસભ્ય રવિવારે કાર્યકરો સાથે કોવિડ વોર્ડમાં પહોંચી ગયા હતા.જયાં નર્સિગ સ્ટાફ એક દર્દીને રેમડેસિવિર ઇન્જેકશન આપવા માટે સીરીંજમાં ભરી રહ્યા હતા.તે વખતે જ ધારાસભ્ય ઝાલાવાડીયામાં રહેલો તબીબ કે નર્સિગ જીવ જાગી ઉઠયો હતો અને તેમણે ઇન્જેકશન અને સીરીંજ લઇ જાતે જ ઇન્જેકશન ભરાવવાનું શરૃ કરી દીધું હતુ.તે વખતે કાર્યકરો સાથે ઠઠ્ઠા મશ્કરી પણ કરતા પણ નજરે પડયા હતા.એક ક્ષણે તેમના હાથમાંથી ઇન્જેકશન ભરેલી સીંરીંજ છટકી પણ જતી હતી.બાદમાં તેમણે દર્દીના બોટલમાં ઇન્જેક્શન મુક્યું હતુ.આવી ગંભીર બેદરકારી દાખવી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો કે, ભાજપના રાજમાં બસ હવે આજ બાકી રહ્યું હતુ.
એકબાજુ કોરોનાના દર્દીનો જીવ જતો હતો અને બીજી બાજુ આવી રીતે એક ધારાસભ્ય થઇને ઠઠ્ઠા મશ્કરી કરવી યોગ્ય ગણાય ? માત્ર છ ચોપડી ભણેલા અને નર્સિગની કામગીરીથી અજાણ છે તો પછી કેવી રીતે ગંભીર દર્દી સાથે આવી રીતે ચેડાં કરી શકે ? શુ મ્યુનિ. કમિશ્નર આવી બેદરકારીના બદલે ધારાસભ્ય સામે કાર્યવાહી કરી શકશે ? એવી અનેક ચર્ચા સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત : કામરેજ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા કોરોનાગ્રસ્ત દર્દીની બોટલમાં ઇન્જેકશન મુકયાનો વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયામાં જાતજાતની,ભાતભાતની પ્રતિક્રિયાઓ મળી હતી.
– શહેરીજનોએ કહ્યુ કે, બસ હવે આજ જોવાનું બાકી રહ્યુ હતુ
– કોરોનાની સ્થિતિમાં વારેઘડીએ સરકારનું નાક દબાવતા મેડિકલ અને નર્સિગ સ્ટાફની શાન હવે ઠેકાણે આવશે
– ભાજપાએ વી.ડી.ઝાલાવાડીયાની અધ્યક્ષતમાં એક કોવીડ કાર્યશાળા શરૃ કરી તમામપેજ પ્રમુખોને પ્રશિક્ષિત કરવા જોઇએ
– ધારાસભ્યે ધો.12 અને 4.5 વર્ષનો એમબીબીએસ એમ કુલ ૧૬.૫ વર્ષનો અભ્યાસ બગાડયા વિના સિવાય માત્ર છ ધોરણના અનુભવે કોવિડ ડયુટીમાં જે રીતે પરોવ્યા તે કાબીલે દાદ છે.
– એક બુથ પાંચ યુથની જેમ પાંચ દર્દી એક હમદર્દી જેવા પ્રકલ્પ પણ શરૃ કરી શકાય
– મેડિકલમાં પ્રવેશ નહીં મળતા હતાશ થનારા વિદ્યાર્થીઓએ પ્રેરણા લેવી જોઇએ
મેં કોઇ પેશન્ટને ઇન્જેકશન આપ્યું નથી : ઝાલાવાડીયા
ઇન્જેકશનનો વિવાદ થતા જ કામરેજ ધારાસભ્ય ઝાલાવાડીયાએ વળતો બચાવ કરતા જણાવ્યું કે, અમો 40 દિવસથી સતત સેવા કરી લોકોને સારા કરી રહ્યા છે.મારો કોઇ હેતુ વિવાદ કરવાનો નથી.પેશન્ટને જે રેમડેરિવિર ઇન્જેકશન આપવામાં આવે છે, તે બોટલમાં મિકસ કરવાનું હોય છે.આથી પેશન્ટને આપતા પહેલા માત્રને માત્ર મિકસ જ કર્યું છે.મે કોઇ પેશન્ટને ઇન્જેકશન આપ્યું નથી.