– અનેક નોટીસ બાદ પણ નમૂનેદાર કામગીરીનો અભાવ, જર્જરીત મિલ્કતદારો ગાંઠતા નથી
ગણદેવી : ગણદેવી નગરપાલિકા પ્રતિ વર્ષ ચોમાસા અગાઉ જર્જરીત મિલકતોનો સર્વે હાથ ધરી નોટીસ બજવણી કરી સંતોષ માને છે.વર્ષોવર્ષ નોટીસનું પુનરાવર્તન બાદ પણ નમૂનારૂપ કામગીરીનાં અભાવે મિલ્કતદારો ગાંઠતા નથી.તેમ છતાં આ વર્ષે ૯૨ જર્જરીત મિલ્કતદારોને નોટીસ બજવણી શરૂ કરાઇ છે.
ગણદેવી નગરપાલિકા હદ વિસ્તારમાં ફરી એક વાર જર્જરીત મિલકતનો સર્વે હાથ ધરાયો હતો.જે બાદ ધી ગુજરાત મ્યુનિસિપલ એકટ ૧૯૬૩ ની કલમ ૧૮૨ હેઠળ નોટીસ ફટકારવામાં આવી રહી છે.જેમાં જર્જરીત મકાન આકસ્મિક તૂટી પડવાની શકયતા હોવાથી તાત્કાલિક મકાન ભયમુક્ત જાનહાની ટાળવાનું કહેવાયું છે અને નુકશાન કે જાનહાનીની સંપૂર્ણપણે જવાબદારી મિલ્કતધારકની રહેશે જ્યારે નગરપાલિકાની જવાબદારી રહેશે નહીં એવું જાહેર કરાયું છે.ત્યારે મિલ્કતધારક નોટીસને ન ગણકારી જાહેર હિતને કે જનમાલને નુકસાન કરી શકે છે.આવી મિલકત તૂટી પડતા નિર્દોષ લોકો જીવ ગુમાવી શકે એમ છે.અને ગણદેવીમાં અમદાવાદ જેવી હોનારત સર્જાઈ શકે એમ છે.ત્યારે પાલિકાએ મિલકત દારોનાં જોખમે અને ખર્ચે ભયજનક મિલકત દૂર કરી નગરજનોનાં હિતમાં આગળ આવવું જોઈએ જેના બદલે પ્રતિ વર્ષ માત્ર નોટીસ ફટકારી પાલિકાની જવાબદારી રહેશે નહીંનું રટણ કરવામાં આવી રહ્યું છે.
ચાલુ વર્ષે પણ શહેર માં ૯૨ જેટલી મિલકતો જર્જરીત હોવાની પાલિકાએ જ નોટીસ દ્રારા પૃષ્ટિ કરી છે.જેમાં સૌથી વધુ વોર્ડ નં.૪ માં સૌથી વધુ ૫૦ અને વોર્ડ નં. ૩ માં ૨૪ વોર્ડ નં.૧ માં ૩, વોર્ડ નં.૫માં ૬અને વોર્ડ ૬ માં ૩ છે.જ્યારે ૭ મિલકતોનો વોર્ડ દર્શાવ્યો નથી.પાલિકા સામે સરકારી પ્રાથમિક શાળા,ઝંડા ચોક જૂની મામલતદાર કચેરી,જૂનું પોલીસ મથક,ઉપરાંત અનેક એપાર્ટમેન્ટ પણ ભયાવહ બન્યા છે.જર્જરીત અને જોખમી મકાનોમાં જીવનાં જોખમે રહેતા પરીવારોને પ્રતિ વર્ષ સચેત કરવા નોટીસ આપવામાં આવે છે.અનેક જર્જરીત મકાનોનાં પોપડા,છતમાં તિરાડો ગમે તે ક્ષણે હોનારત સર્જે એવી સંભાવના જોવાઇ રહી છે.તેમ છતાં નક્કર કામગીરીનો અભાવ વર્તાઈ રહ્યો છે.


