મોદી સરકારે જાણીતા વકીલ મહેશ જેઠમલાણીની રાજ્યસભામાં નિમણૂક કરી છે.ઓડિશાના શિલ્પકાર રઘુનાથ મોહપાત્રાનું કોરોનાના કારણે ગયા મહિને નિધન થતાં ખાલી પડેલી બેઠક પર જેઠમલાણીની નિમણૂક કરાઈ છે.જેઠમલાણીની મુદત ૨૦૨૪ના મે મહિનામાં પૂરી થશે.મહેશના પિતા રામ જેઠમલાણીને પણ મોદીએ ૨૦૧૦માં રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.રામ જેઠમલાણીએ એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને જામીન અપાવ્યા તેના બદલામાં રાજ્યસભાનું સભ્યપદ અપાયાની ચર્ચા એ વખતે ચાલી હતી.
રામ જેઠમલાણી
મહેશ પણ મહારાષ્ટ્રની ઉધ્ધવ ઠાકરે સરકાર સામે પડેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ અને રશ્મિ શુકલાનો કેસ લડી રહ્યા છે.તેના સિરપાવરૂપે મોદી તેમના પર રીઝયા હોવાનું કહેવાય છે.મહેશને નીતિન ગડકરી સાથે ફાવતું નથી. ૨૦૧૨માં ગડકરી પ્રમુખ હતા ત્યારે મહેશ જેઠમલાણીએ રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું ધરી દીધેલું.મહેશના પિતા રામ જેઠમલાણીને મોદી સાથે મતભેદ થતાં ૨૦૧૬માં આરજેડીમાં જોડાઈ ગયેલા ને લાલુ પ્રસાદની મદદથી બિહારમાંથી રાજ્યસભામાં ગયા હતા.મહેશ અને મોદી વચ્ચે મનમેળ રહે છે કે ઈતિહાસ દોહરાવાય છે એ જોવાનું રહે છે.


