નવી દિલ્હી તા.9 : કોરોનાકાળમાં લોકોની ખરીદ શકિત ઘટી ગઈ છે.અર્થતંત્રને ગંભીર ફટકામાંથી ઉગારવા ડીમાંડ વધે તેવા પગલા ભરવા માટે અર્થણાસ્ત્રીઓના સૂચન વચ્ચે એવુ બહાર આવ્યુ છે કે આકરા કરભારણને કારણે ચીજવસ્તુઓ મોંઘી થઈ હોવાને કારણે પણ ગ્રાહક ડીમાંડ પર મોટી અસર છે.
કોરોના કાળમાં આરોગ્ય પાછળનો ખર્ચ ઘણો વધી ગયો હોવાની સાથોસાથ લોકો પર કરબોજ પણ વધ્યો હોવાનું ઈન્ડીયા રેટીંગ એન્ડ રીચર્સનાં રિપોર્ટમાં કહેવાયું છે.કેન્દ્ર સરકારે કોર્પોરેટ કંપનીઓ માટેનાં આવકવેરા સહિતનાં સીધા કરવેરા તો સુસંગત કરી દેવામાં આવ્યા છે.પરંતુ ચીજ વસ્તુઓ પર ઉઘરાવાતા આડકતરા કરવેરાથી આમ આદમી પર પડતાં બોજનાં સરળીકરણ માટે કોઈ નકકર કદમ ઉઠાવ્યા નથી. એટલે ઉંચો ટેકસ જ ચુકવવો પડી રહ્યો છે.
આમ આદમી પર કરબોજને કારણે ખરીદી-વપરાશને અસર થઈ શકે છે.કોરોના કાળ પૂર્વે સરકારે ઈંધણ પરની એકસાઈઝ વધારી હતી તેથી અન્ય ચીજો મોંઘી થઈ હતી.ત્યારપછી લોકો કોરોનાથી પ્રભાવીત થયા છે.રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો કરવામા આવ્યો છે કે આમ આદમી પર કુલ કરબોજ 75 ટકાના સ્તરે પહોંચી ગયો છે જે 2009-10 માં 60 ટકા હતા આ ઉંચા કરબોજ પાછળનું મુખ્ય કારણ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો તથા કોર્પોરેટ ટેકસમાં ઘટાડો છે.
કોર્પોરેટ ટેકસમાં ઘટાડામાં આશય સીધા વિદેશી રોકાણને આકર્ષવા તથા રોજગારી સર્જનનો છે.તેનો આમ આદમીનો કોઈ લાભ મળ્યો નથી.ઈન્કમટેકસ કરતા પણ આડકતરા કરવેરાના બોજને કારણે પરિવારોની આર્થિક હાલત વધુ ખરાબ થઈ હોવાના નિર્દેશ વચ્ચે રીપોર્ટમાં એમ કહેવાયું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે અને તેને કારણે સામાન્યથી માંડીને તમામ વર્ગનાં પરિવારોનાં આર્થિક બજેટ સીધી કે આડકતરી રીતે પ્રભાવીત થઈ રહ્યા છે.

