એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ખાનગી સચિવ(પીએસ) સંજીવ પલાંડે અને ખાનગી સહાયક(પીએ) કુંદન શિંદેની ધરપકડ કરી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડ્રિંગ મામલે અનિલ દેશમુખના ખાનગી સચિવ(પીએસ) અને ખાનગી સહાયક(પીએ)ની ધરપકડ કરી છે.આપને જણાવી દઈએ કે,ગતરોજ ઈડીએ નાગપુર ખાતે આવેલા અનિલ દેશમુખના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા આક્ષેપ કરાયા બાદ અનિલ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો,જેના માટે ઇડી સતત તેમની પૂછપરછ કરી રહી છે.
મની લોન્ડ્રિંગના ગંભીર આરોપોને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસસ્થાન પર બીજી વખત દરોડા પાડ્યા હતા.આ પહેલાં 25 મેના રોજ તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પહેલાં સીબીઆઈએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા.અનિલ દેશમુખ પર આ આરોપો લાગ્યા બાદ તેમણે ગૃહમંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચ મુંબઈના પૂર્વ પોલીસ આયુક્ત પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.મુંબઈના પોલીસ આયુક્ત પદથી હટાવીને રાજ્ય હોમ ગાર્ડસને મહાનિર્દેશક નિયુક્ત કર્યા બાદ પરમવીર સિંહે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.
પરમવીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, રાકાંપાના નેતા દેશમુખે કેટલાક પોલીસ અધિકારીઓને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ પ્રત્યેક મહિને ભેગા કરવાનું લક્ષ્ય આપ્યું હતું.બીજી તરફ દેશમુખે પોતાની વિરુદ્ધ લગાવેલા આરોપોને ફગાવી દીધા હતા.

