સુરત : હાલ ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણી 2022 ની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.આમ આદમી પાર્ટી અને ભાજપની રાજકીય ગતિવિધિ તેજ થઇ ચુકી છે.પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાયા બાદ આજે સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ આપમાં જોડાયા હતા.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે ખેસ પહેરાવીને તેમને આપમાં આવકાર્યા હતા.
મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દિકરીઓના લગ્ન કરાવવા માટે પણ સમગ્ર રાજ્યમાં જાણીતા છે.આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે.આ ઉપરાંત તેઓ અનેક વિવાદોના કારણે પણ ચર્ચામાં રહ્યા છે. 2020 માં બિલ્ડરનું અપહરણ કરવા મુદ્દે તેમની સામે પોલીસ કેસ ચાલી રહ્યો છે.
ભાવનગરના રાપરડા ગામમાં મહેશ સવાણીએ ડિપ્લોમાં સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઇ સુરતમાં વલ્લભ ટોપીના નામે જાણીતા બન્યા હતા.સુરતમાં હીરાના વ્યવસાયથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઇએ ધુમ કમાણી કરી હતી.આજે ડાયમંડ,એજ્યુકેશન,હોસ્પિટલ,રિયલ એસ્ટેટ સહિતનાં બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યા છે.
બિલ્ડરના અપહરણનો લાગ્યો હતો આરોપ
મહેશ સવાણી સાથે જોડાયેલા કેટલાક વિવાદોની વાત કરીએ તો ચારેક વર્ષ પહેલા ટ્રાવેલ્સ એસોસીયેશનના પ્રમુખની સાથે જમીનમાં ચિટિંગ કરી ધમકી આપવા મામલે મહેશ સવાણી અને તેના પિતા વલ્લભભાઈ સવાણી(ટોપી) સામે કતારગામ પોલીસમાં અરજી થઈ હતી.આ ઉપરાંત જાન્યુઆરી, 2020માં બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં મહેશ સવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ત્યાર બાદ પોલીસે તેમના ચાર સાગરીતોને સવાણીની ઓફિસમાંથી પકડી પાડ્યા હતા. આ સમયે મહેશ સવાણી ફરાર થઈ ગયા હતા.
3 કરોડના બદલે રૂ.19 કરોડ માગવાનો આક્ષેપ થયો હતો
મહેશ સવાણી પર આરોપ લાગ્યો હતો કે, પાર્લે પોઇન્ટની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર ગૌતમ ખોડીકા પટેલના બંગલે મહેશ સવાણી અને તેના સાગરીતોએ બિલ્ડરને કારમાં બેસાડી ઓફિસે લઈ જઈ માર માર્યો હતો.બિલ્ડરની પાસેથી 3 કરોડની રકમના બદલામાં બંગલો લખી આપવા અથવા 19 કરોડની રકમ આપવા દબાણ કર્યુ હતું.
ભાજપમાંથી સુરત લોકસભા બેઠક માટે નામ ચર્ચામાં હતું
2019ની લોકસભા ચૂંટણીમાં મહેશ સવાણીને ભાજપમાંથી સુરત બેઠક માટે ટિકિટ આપવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો.પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને બહાર લાવવા માટે મહેશ સવાણીએ ભારે મહેનત કરી હતી.મહેશ સવાણીએ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થીની કડીરૂપ ભૂમિકા ભજવીને હાર્દિકને જામીન પર છોડાવવા માટે સિંહફાળો આપ્યો હતો.


