સુરત : સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે.આ ઘટનામાં એક મહિલા પોલીસકર્મીનું મોત થયું છે અને ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનામાં ડમ્પર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને ડમ્પર ચાલકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.ડમ્પર ચાલકની પૂછપરછ કરતા અકસ્માતનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.પોલીસ પૈસા લે છે તેવા વહેમમાં તેને પોલીસકર્મી સાથે અકસ્માત કર્યો અને પછી તે ડમ્પર છોડીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું.
રિપોર્ટ અનુસાર સુરતના ભેસ્તાન ત્રણ રસ્તા પર રાત્રીના સમયે પોલીસકર્મીઓ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા.પોલીસ જે સમયે એક રીક્ષાનું ચેકિંગ કરી રહી હતી તે સમયે એક ડમ્પર ચાલકે વાહન ચેકિંગની કામગીરી કરતા પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા.આ ઘટનામાં એક મહિલા પોલીસકર્મીનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું.જે પોલીસકર્મીનું મોત થયું છે તેમનું નામ લીના ખરાડે હોવાનું સામે આવ્યું હતું. સાથે બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ઈજાઓ પણ થવા પામી હતી.તેથી તમામ ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.પોલીસની પૂછપરછમાં પહેલા ડમ્પર ચાલકે બ્રેક ફેઈલ થવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું કારણ જણાવ્યું હતું.
જ્યારે આ બાબતે પોલીસ ડમ્પરની તપાસ કરી ત્યારે બ્રેક બરાબર હોવાનું સામે આવ્યું હતું.ત્યારબાદ પોલીસે વધુ કડકાઈથી ડમ્પર ચાલકની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, પોલીસના ચેકિંગ દરિમયાન તેને ડર લાગ્યો હતો કે. કા તો પોતે પકડાશે અથવા તો પોલીસ પૈસા લેશે. એટલે તે અકસ્માત કરીને ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો.ઘટનામાં મૃત્યુ પામનાર પોલીસકર્મીં લીના સાબરકાંઠાના અરવલ્લીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.તેમના લગ્નના 13 વર્ષ થયા છે અને બે સંતાન છે.


