નવી દિલ્હી,તા.13 : લખનૌની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનને હવે ડોકટરોએ ફિટ જાહેર કર્યા છે.આજે હવે તેમને ફરી જેલમાં ખસેડવામાં આવશે.જોકે આગામી સપ્તાહે તેમણે ફરી ચેક અપ કરાવવા માટે આવવુ પડશે.
ઉલ્લખનીય છે કે, કોરોના વાયરસની ચપેટમાં આવ્યા બાદ આઝમ ખાન અને તેમના પુત્રને સીતાપુર જેલમાંથી 9 મેના રોજ મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ દરમિયાન આઝમખાનની હાલત બગડી હતી અને તેમને આઈસીયુમાં ખસેડવા પડ્યા હતા.જોકે હવે તેમની તબિયતમાં સુધારો છે.તેમના પુત્ર પણ સાજા થઈ ગયા છે.તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ડોકટરો દ્વારા સતત તેમના પર નજર રાખવામાં આવી રહી હતી.હવે તેમને ફિટ જાહેર કરવામાં આવ્યા છે.
આઝમ ખાન પર જમીન પચાવી પાડવાથી માંડીને સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ છે અને આ મામલામાં તેમને અને તેમના પુત્ર કેટલાય વખતથી સિતાપુર જેલમાં છે.

