બારડોલી : બારડોલી ખાતે આદિવાસી દિવસ નિમિત્તે વિશ્વ આદિવાસી દિન ઉજવણી સમિતિ દ્વારા બારડોલીમાં રેલી કાઢી આદિવાસી સમાજની વિવિધ માંગ સંદર્ભે રાજયપાલને ઉદ્દેશી બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બારડોલીમાં આદિવાસી દિવસ નિમિત્તે સોમવારના રોજ બારડોલી પ્રદેશનો આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.ત્યાર બાદ જલારામ મંદિર હૉલ ખાતે એક બેઠક યોજી સમાજના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં દસ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.જેમાં આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં વેદાંત કંપની દ્વારા સ્થાપવામાં આવનાર ઝીંક પ્રોજેકટની મંજૂરી તાત્કાલિક રદ્દ કરવા,દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બારડોલીની બે કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરવાની પ્રક્રિયા બંધ કરવા, જિલ્લા પંચાયત હેઠળ ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ ન કરવા, સરકાર દ્વારા આદિવાસીઓ માટે વાપરવામાં આવતા વનબંધુ કે વનવાસી જેવા શબ્દો વપરાશ ન કરવા,રાષ્ટ્રીય ધોરણે દર દસ વર્ષે થતી વસ્તી ગણતરીમાં ધર્મની કૉલમમાં આદિવાસી ધર્મ ઉમેરવા,બંધારણ અનુસૂચિ 5 અન્વયે પેસા એક્ટનો અસરકારક રીતે અમલ કરવા,બારડોલીના તેન ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ નાંદીડા ચાર રસ્તાને બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરવા, 9મી ઓગસ્ટ આદિવાસી દિનની સરકારી રજા જાહેર કરવા,બારડોલીમાં આદિવાસી વિકાસના હેતુથી અનામત રાખેલ જગ્યાઓ કોઈ પણ જાતના હેતુફેર વિના તે જ હેતુ માટે વાપરવા તેમજ નવસારીના ચિખલી ખાતે પોલીસ કસ્ટડીમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોત બાબતે સીબીઆઇ તપાસ અને જવાબદારોને સજાનિમગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


