કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ખાતે છેલ્લા ચારેક વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા 9 જેટલા બાંગ્લાદેશીને મહારાષ્ટ્ર તેમજ સ્થાનિક પોલીસે ઝડપી પાડયા હતા. તેમનો કબ્જો જિલ્લા એસ.ઓ.જી.ને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહારાષ્ટ્રના થાણે પોલીસની હદમાંથી કેટલાક બાંગ્લાદેશી પકડાયા હતા.તેમની તપાસ અને પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે કેટલાક બાંગ્લાદેશી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રહે છે.આ કબૂલાતને આધારે પકડાયેલા શખ્સોને લઈને મહારાષ્ટ્ર પોલીસે કામરેજ આવી હતી.મહારાષ્ટ્ર પોલીસે કામરેજ પોલીસને સાથે રાખી ખોલવડ ગામે રેડ પાડી હતી.ત્યાંથી 9 જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા.પોલીસે તમામની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી.
બાંગ્લાદેશીઓ પાસેથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યા
9 બાંગ્લાદેશીઓ પાસેથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ પાસપોર્ટ કામરેજના ઇમોન નામના શખ્સે બનાવી આપ્યા હતા.
પકડાયેલ નવ પૈકી પાંચ સામે સુરત શહેર પોલીસમાં ગુનો નોંધાયો હતો
આ બાંગ્લાદેશીઓ ત્રણ ચાર વર્ષથી અહીં રહેતા હતા.નવ પૈકી પાંચ સામે સુરત શહેર પોલીસમાં ગુનો નોંધાયો હતો.આથી તેમનો કબ્જો સુરત શહેર પોલીસને સોંપવામાં આવ્યો હતો.જ્યારે એકને થાણે પોલીસ લઈ ગઈ હતી.કામરેજ પોલીસે રસેલ,દિયા અને હસીની કામરેજ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.જેમાં રસેલ ત્રણ વર્ષથી અને દિયા તેમજ હસી ચાર વર્ષથી સાથે રહેતા હોવાની કબૂલાત કરી હતી.ત્રણેયનો કબ્જો સુરત જિલ્લા એસ.ઓ.જી.ને કબ્જો સોંપવામાં આવ્યો હતો.


