ઈગ્લેન્ડના ક્રિકેટના પૂર્વ કેપ્ટન પીટરસનનું કહેવું છે કે, ‘અફઘાનિસ્તાનમાં આ સમયે જે પ્રકારની તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે તેને લઈને સ્પિનર રાશિદ ખાન ઘણો ચિંતિત છે.’ પીટરસને કહ્યું કે,’હાલ રાશિદ ખાન પોતાના પરિવારને દેશની બહાર કાઢી શકે તેમ નથી.’
હાલ કાબુલના હામિદ કરંજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સમગ્ર વિશ્વની ફ્લાઈટનું ઉડાન સ્થગિત છે. રાશિદ ખાન હાલ યુકેમાં છે, અને ત્યાં તે હન્ડ્રેડ લીગમાં ટ્રેન્ટ રોકેટ્સ તરફથી રમી રહ્યો છે.મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા રાશિદ ખાને ટ્વિટ કરી જણાવ્યું હતુ કે, અમને મરવા માટે ન છોડો. તેમણે દુનિયાના નેતાઓને અફઘાનિસ્તાનના લોકોને બચાવી લેવા માટે અપીલ કરી હતી.રાશિદે ટ્વિટમાં લખ્યુ હતું કે, ‘દુનિયાભરના પ્રિય નેતાઓ. મારો દેશ મુશ્કેલીમાં છે. દરરોજ મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકોને મારવામાં આવી રહ્યા છે. ઘરો અને સંપતિને નષ્ટ કરવામાં આવી રહી છે. લોકો પોતાનું ઘર છોડીને જવા માટે મજબૂર બન્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અમને એકલા ન છોડો. અફઘાનિસ્તાન અને અહીંયાના લોકોને બરબાદ થવાથી બચાવી લો. અમે શાંતિ ઈચ્છિએ છીએ.’
છેલ્લા 20 વર્ષથી સરકાર સાથે યુદ્ધ લડી રહ્યું છે તાલિબાન
વર્ષ 2001 થી તાલિબાન અમેરિકાના દ્વારા સમર્થન આપવામાં આવેલા અફઘાનિસ્તાનની સાથે યુદ્ધ લડી રહ્યું હતું.અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઉદય અમેરિકાના કારણે જ થયો હતો જ્યારે આજે તાલિબાન જ અમેરિકા માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયો છે.
કાબુલ પર પણ તાલિબાનનું રાજ
તાલિબાને અફઘાનિસ્તાન સરકારના છેલ્લા કિલ્લા કાબુલ પર જીત મેળવી લીધી છે. આ સાથે જ તાલિબાને 20 વર્ષ બાદ કાબુલમાં ફરીથી પોતાનું શાસન સ્થાપ્યું છે. 2001 માં અમેરિકી હુમલાના કારણે તાલિબાનને કાબુલ છોડીને ભાગવુ પડ્યું હતું.


