જમ્મુકાશ્મીર,તા.24 ઓગસ્ટ : શ્રીનગરના ક્રિકેટ મેદાન પર સોમવારની સાંજે બોલીવૂડની ફિલ્મો જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
શ્રીનગરના આલૂચિબાગ પર સોમવારે સાંજે સાદા કપડામાં પહોંચેલા દસ કમાન્ડોએ અહીંયા ક્રિકેટ રમી રહેલા બે આતંકીઓ અબ્બાસ શેખ અને તેના સાથીદાર સાકિબ મંજૂરને ઘેરીને ઢાળી દીધા હતા.અબ્બાસ તો કાશ્મીરના ટોપ ટેન વોન્ટેડ આંતકીઓના લીસ્ટમાં સામેલ હતો. બંને લાંબા સમયથી પોલીસના રડાર પર હતા. તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. તેઓ સંખ્યાબંધ નાગરિકોની હત્યામાં પણ સંડોવાયેલા છે.
જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા પ્રમાણે બંને આંતકીઓ ક્રિકેટ મેદાન પર હોવાની બાતમી પોલીસને મળી હતી.પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના દસ કમાન્ડો સાદા ડ્રેસમાં ગયા હતા અને મેદાનને ઘેરી લીધુ હતુ.એ પછી આતંકીઓએ ફાયરિંગ કરતા પોલીસે વળતો જવાબ આપ્યો હતો.મોતને ભેટનાર અબ્બાસ યુવાઓને આતંકવાદી બનવા માટે પ્રેરણા આપતો હતો. જેના કારણે યુવાઓના માતા પિતા પણ પરેશાન હતા. અબ્બાસ અને સાકિબ્ છેલ્લા કેટલાક સમયથી આ મેદાન પર ક્રિકેટ રમવા માટે આવતા હતા અને પોલીસની તેમના પર નજર હતી.
પોલીસે જોકે બહુ કુશળતાથી આખુ ઓપરેશન પાર પાડ્યુ હતુ. કારણકે આ બંને આતંકીઓ માર્યા ગયા તે સમયે મેદાનમાં ખાસા લોકો ક્રિકેટ રમી રહ્યા હતા.સાકિબનો એક વિડિયો ગયા મહિને વાયરલ થયો હતો.જેમાં તે એ કે 47થી બે પોલીસ કર્મીઓ પર હુમલો કરતો નજરે પડ્યો હતો. આ બંને પોલીસ જવાન શહીદ થઈ ગયા હતા.માર્યા ગયેલા મહોમ્મદ અબ્બાસ શેખના બે ભાઈઓ મહોમ્મદ ઈબ્રાહિમ અને મહોમ્મદ અશરફ પણ આતંકી હતા અને તેઓ પણ અગાઉ સુરક્ષાદળોના હાથે માર્યા ગયા હતા.

