પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં પીસાદ ગામે રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.પકડાયેલ શખ્સ ઘરમાં વિદેશી દારૂ સંતાડી તેનું છૂટક વેચાણ કરી રહ્યો હતો.પોલીસે 2.09 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના પીસાદ ગામે બીલીયા ફળિયામાં રહેતો ભરત મંગુભાઈ રાઠોડ તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું છૂટક વેચાણ કરી રહયો હતો.જે અંગેની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને મળતા તેમણે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી.રેડ દરમ્યાન ભરત રાઠોડને પોલીસે ઝડપી પાડી ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 1059 નંગ બોટલ કિંમત રૂ, 2.09 લાખનો જથ્થો મળી આવ્યો હતો.જ્યારે વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર બારડોલીના કેયૂર ભંડારીને વોંટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


