સુપ્રીમ કોર્ટે ગુરુવારે સોશિયલ મીડિયા અને યુટ્યૂબ પર ફેક ન્યૂઝ ફેલાવવાને લઈને નારાજગી વ્યક્ત કરી છે.ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર જજો વિશે પણ એલફેલ લખવામાં આવે છે.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તબલીગી જમાતના કેસને લઈને પણ કહ્યું કે, મીડિયાના એક વર્ગમાં દર્શાવવામાં આવેલા સમાચારોને સાંપ્રદાયિક્તાનો રંગ આપવામાં આવી રહ્યો છે,જેના કારણે દેશની છબી ખરડાય છે.
ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એએસ બોપન્નાની પીઠ ફેક ન્યૂઝના પ્રસારણ પર રોક માટે જમીયત-ઉલેમા-એ-હિન્દની અરજી સહિત અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.જમીયતે પોતાની અરજીમાં નિઝામુદ્દીન સ્થિત મરકજમાં ધાર્મિક સભા સબંધિત ફેક ન્યૂઝ ફેલાવવાથી રોકવા અને તેના માટે જવાબદાર લોકો પર કડક પગલા ભરવા માટે કેન્દ્રને આદેશ આપવાનો આગ્રહ કર્યો છે.
પીઠે પ્રશ્ન પૂછ્યો છે કે, ન્યૂઝ ચેનલોના એક વર્ગમાં દર્શાવવામાં આવતા તમામ કન્ટેન્ટ ધાર્મિક રંગ આપવામાં આવે છે.આખરે તેના કારણે દેશની છબી ખરડાય છે.શું કેન્દ્ર સરકારે આવી ખાનગી ચેનલો પર અંકુશ લગાવવાની ક્યારેય કોશિશ પણ કરી છે?
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સોશિયલ મીડિયા માત્ર શક્તિશાળી લોકોની વાતો જ સાંભળે છે અને જસ્ટિસ તેમજ સંસ્થાઓ વિરુદ્ધ કોઈ પણ જવાબદારી વિના અનેક વાતો લખવામાં આવે છે.વેબ પોર્ટલ્સ અને યુ-ટ્યૂબ ચેનલો પર ફેક ન્યૂઝ ફેલાતા અટકાવવા માટે કોઈ નિયમ નથી. જો તમે યુ-ટ્યૂબ જોશો, તો તમે જોશો કે, કેવી રીતે ફેક ન્યૂઝ સરળતાથી ફેલાવવામાં આવી રહ્યાં છે. આટલુ જ નહીં, કોઈ પણ વ્યક્તિ પોતાની યુ-ટ્યૂબ ચેનલ શરૂ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ્સ સહિત ઓનલાઈન કન્ટેન્ટ નિયમન માટે તાજેતરમાં લાગૂ આઈટી નિયમોના મુદ્દે પણ વિવિધ હાઈકોર્ટની અરજીઓને ટ્રાન્સફર કરવાની કેન્દ્રની અરજી પર 6 અઠવાડિયા બાદ સુનાવણી કરવા માટે તૈયારી દર્શાવી છે.

