– દિલ્હીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના બધા પૈસા જિહાદી તૃષ્ટિકરણ અને મૌલાનાઓની સેલેરી માટે આપનારી કેજરીવાલ સરકારે આખી દિલ્હીને સ્લમ બનાવી દીધુંઃ કપિલ મિશ્રા
નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર : દિલ્હીમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પાણીનો ખૂબ જ ભરાવો થયો છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.રાષ્ટ્રીય રાજધાનીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલ સરકાર પર બરાબરનું નિશાન સાધ્યું છે.ભાજપના તેજિંદર પાલ સિંહ બગ્ગાએ દિલ્હીમાં અનેક જગ્યાએ પોસ્ટર્સ લગાવીને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા લખ્યું છે કે, શું સ્વિમિંગ પૂલમાં નાહીએ?
આ તસ્વીરમાં અરવિંદ કેજરીવાલ હસતા દેખાડ્યા છે અને સાથે બેકડ્રોપમાં વોટરફોલની વાયરલ તસવીરો લગાવી છે.ઉલ્લેખનીય છે કે, સતત વરસી રહેલા વરસાદના કારણે દિલ્હીના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.કપિલ મિશ્રાએ પણ આ મુદ્દે કેજરીવાલ પર સવાલોનો મારો ચલાવ્યો હતો.મિશ્રાએ કહ્યું હતું કે, આજે દિલ્હી વરસાદમાં નહીં પણ કેજરીવાલના ભ્રષ્ટાચાર અને નિકમ્માપણાના કારણે ડૂબ્યું છે.વધુમાં કહ્યું હતું કે, દિલ્હીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના બધા પૈસા જિહાદી તૃષ્ટિકરણ અને મૌલાનાઓની સેલેરી માટે આપનારી કેજરીવાલ સરકારે આખી દિલ્હીને સ્લમ બનાવી દીધું છે.કપિલ મિશ્રાના કહેવા પ્રમાણે આજે વિશ્વ સામે દિલ્હીની સ્થિતિ મજાક સમાન બની ગઈ છે.
મહિપાલપુરમાં વોટરફોલ જેવું દૃશ્ય
સતત વરસાદના કારણે દિલ્હીની સ્થિતિ કથળી રહી છે. મહિપાલપુર ફ્લાઈઓવર પાણીથી સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. પુલ પરથી કોઈ વોટરફોલની જેમ પાણી નીચે પડતું જોવા મળ્યું હતું અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.


