નવી દિલ્હી તા.4 : દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) હવે સુપ્રિમ કોર્ટના સ્કેનર હેઠળ આવી ગઇ છે અને સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને અત્યાર સુધીમાં તેની પાસે આવેલા કેસોમાં કેટલા પેન્ડીંગ છે અને કેટલા કેસમાં એજન્સી સજા કરાવામાં સફળ રહી છે તે અંગે માહિતી આપવા આદેશ આપ્યો છે.તપાસ એજન્સીને આ રીતે તેનો કામકાજનો રિપોર્ટ કાર્ડ આપવાનો રહેશે.સર્વોચ્ચ અદાલત સમક્ષના એક કેસમાં સીબીઆઇએ અંદાજે 542 દિવસ બાદ રીટ અરજી દાખલ કરી હતી જે માહિતી મળતાં જ સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજય કિશન કૌશલની ખંડપીઠ ચોકી ઉઠી હતી અને પ્રશ્નોની જડી વરસાવી હતી.તથા સીબીઆઇના નિર્દેશકને સૂચના આપી કે અત્યાર સુધીમાં એજન્સી પાસે આપવામાં આવેલા કેસમાં કેટલા કેસો હજુ પેન્ડીંગ છે અથવા તો અદાલતી પ્રક્રિયામાં રોકાયેલા છે.જયારે કેટલા કેસમાં એજન્સી આરોપી સાબિત કરવામાં અને સજા અપાવવામાં સફળ રહી છે.
ન્યાયમૂર્તિ કોલએ જણાવ્યુ હતું કે સીબીઆઇએ દેશની પ્રમુખ એજન્સી છે અને સમગ્ર દેશ તેના પર વિશ્ર્વાસ રાખે છે તે સમયે આ પ્રકારના લાંબા સમયના પેન્ડીંગ કેસ એ તપાસ એજન્સીની કાર્યક્ષમતા સામે પ્રશ્ન ઉઠાવી શકે છે.સીબીઆઇને એ પણ જણાવાયુ છે કે તે શા માટે આટલા વિલંબથી રીટ અરજી દાખલ કરી છે.આમ તપાસ એજન્સીની રચના બાદ પ્રથમ વખત સીબીઆઇ સુપ્રિમ કોર્ટના સીધા સ્કેનર હેઠળ આવી ગઇ છે.

