રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ હવે ઈલેક્શન મોડમાં આવી ગયું છે.તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રા કાઢીને લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.ત્યારે ગરમાયેલા રાજકારણ વચ્ચે ગુજરાતમાં તોડજોડની રાજનીતિ પણ શરૂ થઇ ગઈ છે. પક્ષની નીતિ કે પછી અન્ય કોઈ કારણોસર નારાજ થયેલા નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં જઈ રહ્યા છે.ત્યારે ભાજપના સહકાર મંત્રીના મોટા ભાઈએ જ ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હાથમાં ગુજરાત ભાજપના લગામ આવતા જ પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે નિર્ણય કર્યો હતો કે, 60 વર્ષથી વધારે ઉંમરના અને સતત 3 ટર્મથી ચૂંટાતા આવતા આગેવાનોને ટિકિટ આપવામાં નહીં આવે.આ ફોર્મ્યુલાથી ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી હતો.ચૂંટણી દરમિયાન ભાજપમાંથી પણ કેટલાક નેતાઓના વિરોધના સુર ઉઠ્યા હતા.ત્યારે હવે આ ફોર્મ્યુલાને લઇને ભરૂચ જિલ્લામાંથી આવતા ભાજપના સહકાર મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહના મોટા ભાઈ વિજય પટેલે ભાજપનો સાથે છોડ્યો છે.
વિજય પટેલ દ્વારા 5 ફેબ્રુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું.ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી વિજય પટેલે 9 ફેબ્રુઆરીના રોજ હાંસોટ APMCનું પ્રમુખ પદ પણ છોડી દીધું હતું.ભાજપ અને AMPC છોડ્યા પછી વિજય પટેલે હવે 2 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.ગુરુવારે વિજય પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.ભાજપના સહકાર મંત્રી ઈશ્વરસિંહના મોટા ભાઈ વિજય પટેલે કોંગ્રેસનો ખેસ પહેરતા રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે, આગામી દિવસોમાં આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવીને અંકલેશ્વર-હાંસોટ બેઠક પર વિજય પટેલ ઉમેદવારી કરીને નાના ભાઈની સામે જ ચૂંટણી લડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે.આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં દિલ્હી મોડેલને લઈને જન સંવેદના યાત્રા થકી લોકોની મુલાકાત કરી રહી છે.તો બીજી તરફ અલગ-અલગ પક્ષના રાજકીય નેતાઓ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ રહ્યા છે.


