– કુરૈશીએ યોગી સરકારની તુલના રાક્ષસ, શેતાન અને લોહી પીનારા હિંસક જાનવર સાથે કરી
નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી વિરૂદ્ધ રવિવારે યોગી સરકાર અંગે વિવાદિત નિવેદન આપવા મુદ્દે કેસ દાખલ કરાયો છે.ગત રોજ કુરૈશી સપા સાંસદ આઝમ ખાનના રામપુર ખાતે આવેલા ઘરે ગયા હતા અને ત્યાં તેમની પત્નીની મુલાકાત લીધી હતી.ત્યાં તેમણે જે નિવેદન આપ્યું હતું તેને લઈ વિવાદ સર્જાયો છે.
રામપુરમાં પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસી નેતા અજીજ કુરૈશી વિરૂદ્ધ થાણા સિવિલ લાઈનમાં રાજદ્રોહના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો.કુરૈશી વિરૂદ્ધ કલમ 153એ, 153બી, 124એ અને 505 (1)(બી) અંતર્ગત કેસ દાખલ કરાયો છે.આરોપ છે કે, તેમણે યોગી સરકરા વિરૂદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યું હતું.
ભાજપના નેતા આકાશ સક્સેનાએ કુરૈશી વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે.તેમણે જણાવ્યું કે, યોગી સરકાર વિરૂદ્ધ ખોટી ટિપ્પણી સહન નહીં થાય. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કુરૈશીએ આઝમ ખાનની પત્ની સાથે મુલાકાત બાદ અનેક લોકોની ભીડ સામે યોગી સરકારની તુલના રાક્ષસ,શેતાન અને લોહી પીનારા હિંસક જાનવર સાથે કરીને અમર્યાદિત નિવેદન આપ્યું હતું.
ભાજપના નેતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અજીજ કુરૈશીએ અનેક લોકોની ભીડની ઉપસ્થિતિમાં આ પ્રકારનું નિવેદન આપ્યું તે 2 સમુદાયો અને 2 વર્ગોની શત્રુતા, ધૃણા વગેરે ભાવનાઓ વધારનારૂ અને ભડકાવનારૂ છે.સાથે જ સરકાર પર જાણીજોઈને કાળું ટીલું લગાવવાની અને સમાજમાં અશાંતિ પેદા કરવાની શ્રેણીમાં આવે છે.તેમણે જાણીજોઈને આપેલું નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે જેથી રામપુર સહિત યુપીનો માહોલ ખરાબ થવાની શક્યતા છે.

