વલસાડ : વલસાડ રૂરલ પોલીસે ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.આ વખતે રૂરલ પોલીસે લક્ઝુરિયસ ગાડીમાં નશીલા પદાર્થ ગાંજાની હેરાફેરીનું એક મસમોટું રેકેટ ઝડપી પાડયુ છે.જેમાં પોલીસે લક્ઝુરિયસ ગાડીમાં ગાંજાની હેરાફેરી કરતા બે આરોપીઓને 61 કિલો ગાંજા સાથે ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે.
બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે રૂરલ પોલીસના પીએસઆઇ એલ.જી.રાઠોડ અને તેમની ટીમ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ કરી રહી હતી.તે દરમ્યાન વલસાડના અતુલ નજીક પોલીસ ચેકિંગ કરી રહી હતી.એ દરમ્યાન મુંબઈ તરફથી પૂરઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ ગાડીને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો.જોકે પોલીસને જોતાં જ પરિસ્થિતિ પારખી ગયેલા ગાડી ચાલકે પૂરઝડપે ગાડીને હાઇવે પર ભગાવી મૂકી હતી. આથી પૂરી તૈયારી સાથે બેઠેલી પોલીસે ફિલ્મી ઢબે હાઈવે પર ગાડીનો પીછો કરી તેને રોકી હતી.
ગાડીમાં તપાસ કરતા ગાડીમાં બે વ્યક્તિઓ સવાર હતા.તેમની પૂછપરછ કરી તો બંને મૂળ ઓરિસ્સાના હતા. પ્રથમ દ્રષ્ટિએ જોતા ગાડીમાં કઈ શંકાસ્પદ હોય તેવું લાગતું ન હતું પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી ઝીણવટપૂર્વક ગાડીમાં તપાસ કરતાં ગાડીમાં બનાવેલા ચોર ખાનામાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે પિન્ટુ વનમાલી શેટ્ટી અને રામચંદ્ર વૃંદાવન બહેરા નામના બંને આરોપીઓને ગાડી સાથે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન લાવી તપાસ કરી હતી.તપાસ દરમિયાન ગાડીના ચોર ખાનામાં રૂપિયા 6 લાખ 18 હજારથી પણ વધુની કિંમતનો 61 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ ગાંજો લઇ ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી સુરત તરફ આવી રહ્યા હતા.આ નશીલા કારોબારના મુખ્ય સૂત્રધાર અને ગાંજો મંગાવનાર સિકંદર નામના આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
આરોપીઓ ગાંજાનો આ જ જથ્થો ઓરિસ્સાના ગંજામથી ભરી અને સુરત તરફ આવી રહ્યા હતા.જોકે ઓરિસ્સા બાદ આરોપીઓએ અન્ય રાજ્યોની પોલીસથી બચવા માટે આ લક્ઝુરિયસ ગાડીમાં છુપા ચોર ખાના બનાવ્યા હતા.આથી તેઓ ઓરિસાથી નીકળ્યા બાદ વચ્ચે આવતા રાજ્યોને સફળતાપૂર્વક પસાર કરી ચૂક્યા હતા.જોકે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમે 6 લાખથી વધુની કિંમતના ગાંજા અને લક્ઝુરિયસ કાર મળી અંદાજે 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી બંને સળિયા પાછળ ધકેલી દીધા છે.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા દસ દિવસમાં વલસાડ જિલ્લાની રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.જી.રાઠોડ અને તેમની ટીમે લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂને ઝડપી બૂટલેગરોમાં ફફડાટ મચાવી ચૂક્યા છે.હવે પોલીસે 6 લાખથી વધુની કિંમતના નશીલા પદાર્થ ગાંજાને પણ ઝડપી પાડતા નશાના કાળા કારોબારીમાં ફફડાટ વ્યાપી ગયો છે.ઝડપાયેલા આ બંને આરોપીઓની આગામી સમયમાં પૂછપરછ દરમિયાન ગાંજાની હેરાફેરીના રેકેટના અનેક રહસ્યો ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.


