ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી 3 ઑક્ટોબરે યોજાવાની છે.આ પહેલાં મતદારોને પોતાની તરફ આકર્ષી લેવા માટે ત્રણેય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.જો કે જોર લગાવવાની આ લ્હાયમાં ભાજપનો રીતસરનો ફજેતો થઈ રહ્યો છે.
વોર્ડ નં.5માં ભાજપના કાર્યકરોએ પ્રચાર વખતે એક કૂતરાને ભાજપનો ખેસ પહેરાવીને સાથે ફેરવ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ જતાં લોકો ભાજપની બેફામ મજાક ઉડાવી રહ્યા છે.આ સાથે જ ભાજપના કાર્યકરોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.ગાંધીનગર મનપાની ચૂંટણી માટે અત્યારે પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ઉમેદવારો જીત મેળવવા માટે શામ,દામ,દંડ,ભેદની નીતિ અપનાવી રહ્યા છે.
આ બધાની વચ્ચે વોર્ડ નં.5માં ભાજપ કાર્યકરોએ પ્રચાર વખતે સફેદ રંગના એક કૂતરાને પોતાની સાથે ફેરવ્યો હતો.કૂતરો સાથે ફરે તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ તેના ગળે ભાજપનો ખેસ પહેરેલો હોય તે થોડી કૌતુક જગાવનારી વાત લોકો ગણી રહ્યા છે.પ્રચારનો આ વીડિયો આગની જેમ વાયરલ થવા લાગતાં અન્ય પક્ષના કાર્યકરો તો તેની ખીલ્લી ઉડાવી જ રહ્યા છે સાથે સાથે ભાજપના કાર્યકરો પણ આવું કરનારા ‘પોતાના’ને જ બેફામ ભાંડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના પ્રચાર-પ્રસારને વધુ વેગવંતો બનાવી રહ્યા છે.અત્યારે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો અંદાજે 10 કિલોમીટર જેટલું ભ્રમણ કરીને મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરાવવા માટે અપીલ કરી રહ્યા છે.આ ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાના નવોદિત મંત્રીઓને પણ કામે લગાડી દીધા છે.બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ પૂરેપૂરી તાકાત લગાવીને મતદારોને પોતાની તરફે આકર્ષવા માટે જનસભાઓ અને લોકોનો સંપર્ક સાધવામાં વ્યસ્ત બની ગઈ છે.


