એર ઈન્ડિયાની સ્થાપના 1932માં ટાટા એર સર્વિસિઝ તરીકે થઈ હતી.પાછળથી તેનુ નામ ટાટા એરલાઈન કરી નાંખવામાં આવ્યુ હતુ.આ એરલાઈનની શરૂઆત ભારતીય બિઝનેસ જગતના દિગ્ગજ જે.આર.ડી ટાટાએ કરી હતી.એપ્રિલ 1932માં ટાટાએ ઈમ્પિરિયલ એરવેઝ માટે ટપાલો લઈ જવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.એ પછી તેમણે સિંગલ એન્જિનવાળા બે વિમાનો સાથે પોતાનુ એવિએશન ડિપાર્ટમેન્ટ બનાવ્યુ હતુ.
ટપાલો લઈ જતુ વિમાન ઉડાવ્યુ
15 ઓક્ટોબર,1932ના રોજ ટાટાએ કરાચીથી બોમ્બે સુધી ટપાલો લઈ જતુ વિમાન ઉડાવ્યુ હતુ.આ એરક્રાફ્ટ મદ્રાસ સુધી પણ ગયુ હતુ અને તેના પાયલટ તરીકે બ્રિટનની રોયલ એરફોર્સના નેવિલ વિન્સન્ટ હતા.તે ટાટાના પણ મિત્ર હતા.
એર મેલ સર્વિસનુ સંચાલન
કંપનીએ શરૂઆતમાં એર મેલ સર્વિસનુ સંચાલન કર્યુ હતુ. કંપની દ્વારા વિમાનો થકી કરાચી,મદ્રાસ,બોમ્બે અને અમદાવાદ સુધી મેલ પહોંચાડવામાં આવતા હતા.પહેલા વર્ષે એરલાઈનમાં 155 મુસાફરોએ સફર કરી હતી અ્ને 9.72 ટન વજનના મેલ પહોંચાડ્યા હતા.કંપનીનો પહેલા વર્ષનો નફો 60000 રૂપિયા હતો.
બોમ્બે અને ત્રિવેન્દ્રમ વચ્ચે પહેલી પેસેન્જર ફ્લાઈટ શરૂ કરી
એરલાઈને 6 બેઠકો ધરાવતા વિમાન સાથે બોમ્બે અને ત્રિવેન્દ્રમ વચ્ચે પહેલી પેસેન્જર ફ્લાઈટ શરૂ કરી હતી. 1938માં કંપનીને ટાટા એરલાઈન નામ અપાયુ હતુ.તેના રૂટ પર કોલમ્બો અને દિલ્હીને સામેલ કરાયા હતા.બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન ટાટા એરલાઈને રોયલ એરફોર્સને સૈનિકોની અવર જવરમાં,સપ્લાય પહોંચાડવામાં અને શરણાર્થીઓને બચાવવામાં પણ મદ કરી હતી.આઝાદી બાદ 1953માં સરકારે એર કોર્પોરેશન એકટ પાસ કર્યો હતો.ટાટા સન્સની એરલાઈનનો માલિકી હક સરકારે ખરીદી લીધો હતો.જોકે ચેરમેન તરીકે જે.આર.ડી ટાટાને 1977 સુધી ચાલુ રાખવામાં આવ્યા હતા.કંપનીનુ નામ બદલીને સરકારે એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ કરી નાંખ્યુ હતુ.
21 ફેબ્રુઆરી,1960ના દિવસે એર ઈન્ડિયાએ પોતાના કાફલામાં બોઈંગ 707-420ને સામેલ કર્યુ હતુ.એરલાઈને આ જ વર્ષમાં ન્યૂયોર્કની ફ્લાઈટ શરૂ કરી હતી. એ પછી 1962ના રોજ એરલાઈનને સત્તાવાર રીતે એર ઈન્ડિયા નામ અપાયુ હતુ.

