– પુજારીની ફિલિપિન્સમાં ધરપકડ : ભારત લાવવાનો પ્રયત્ન શરૃ
– વર્ષ ૨૦૦૭માં ભારતની બહાર નાસી ગયેલો સુરેશ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો
મુંબઇ : અંડરવર્લ્ડ ડૉન સુરેશ પુજારીની ફિલિપિન્સમાં ધરપકડ કરવામાં આવી છે.અનેક વર્ષથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.વર્ષ ૨૦૦૭થી ભારત છોડીને પલાયન થઇ ગયેલો સુરેશ પુજારી એક બિલ્ડિંગની બહાર ઉભો હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ફિલિપિન્સથી તેને ભારત પ્રત્યાર્પણ કરવાનો પ્રયત્ન શરૃ છે.
મુંબઇ પોલીસ ઉપરાંત એફબીઆઇ, સીબીઆઇના રડાર પર સુરેશ પુજારી હતો.અગાઉ તે ગેંગસ્ટર રવી પુજારી માટે કામ કરતો હતો પણ પછી તેણે રવીથી અલગ થઇને સુરેશ પુજારીએ પોતાની ગેંગ શરૃ કરી હતી.મુંબઇ,નવી મુંબઇ,થાણેમાં ડાન્સબારના માલિકને સુરેશ ખંડણી માટે ધમકીભર્યા ફોન કરતો હતો. ખંડણી ન મળતા તે ગોળીબાર કરાવતો હતો.વર્ષ ૨૦૧૮માં સુરેશ પુજારીના શૂટર્સ દ્વારા કલ્યાણ- ભિવંડી હાઇવે પર હોંટેલમાં ફાયરિંગ કરાઇ હતી.દરમિયાન રિસેપ્શન પર બેસેલી એક કર્મચારી જખમી થયો હતો.ત્યાર બાદ સુરેશે હોટેલના માલિકને ફોન કરી ૨૫ લાખ રૃપિયાની ખંડણી માગી હતી.
મૂળ ઉલ્હાસનગરનો રહેવાસી સુરેશ વર્ષ ૨૦૦૭માં ભારતની બહાર પલાયન થઇ ગયા બાદ પોલીસે તેની માહિતી મેળવવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તે ફિલિપિન્સમાં હોવાની જાણ સિક્યુરિટી એજન્સીને થઇ હતી.ત્યાર પછી ઇન્ટરપોલને માહિતી આપવામાં આવી હતી.આમ છેવટે તેને પકડવામાં સફળતા મળી હતી.
આમ હવે સુરેશ પુજારી સહિત અંડરવર્લ્ડના મોટા ભાગના ગેંગસ્ટર પકડાય ગયા છે.અગાઉ કુખ્યાત ગુંડા છોટા રાજન,રવી પુજારી,એજાજ લકડાવાલાને ભારત પ્રત્યાપણ કરવામાં આવ્યા હતા દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકર અને ભત્રીજાની ધરપકડ બાદ ડી ગેંગની મુંબઇમાં ગુનાહિત પ્રવૃત્તિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.દાઉદ ગેંગ તરફથી ખંડણી માટેના ફોન પણ ઘણા સમયથી બંધ થઇ ગયા હોવાનું કહેવાય છે.જોકે થોડા દિવસ અગાઉ દાઉદના ભાઇ અનિસ સાથે સંકળાયેલા અમૂક શખસની આતંકી હુમલાના કાવતરામાં ધરપકડ કરાઇ હતી.

