નવીદિલ્હી, તા.16 : ભારત સહિતના વિશ્વના દેશોના ધનકુબેરો દ્વારા કંપનીઓ અને ટ્રસ્ટો મારફત વિદેશોમાં ધકેલી દીધેલા કરોડો-અબજો રૂપિયાનો ‘પેન્ડોરા પેપર્સ’ના આધારે ખૂલાસો થયા બાદ હવે કેન્દ્ર સરકારે એકશન શરૂ કર્યા છે.આવકવેરા વિભાગ દ્વારા કાયદાની કલમ 131 હેઠળ નોટિસો આપવાનું શરૂ કર્યું છે.પેન્ડોરા પેપર્સની તપાસ માટે કેન્દ્ર સરકારે મલ્ટિ એજન્સી ગ્રુપનું ગઠન કર્યું છે.વિદેશોમાં નાણાં ધકેલનારા જે ભારતીયોના નામો સામે આવ્યા છે તેમાંથી મોટાભાગનાને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી દીધી છે.આ ઉપરાંત લિસ્ટમાં સામેલ બિનનિવાસી ભારતીયોને પણ નોટિસ ફટકારીને નાગરિકતા વિશેનું સ્ટેટસ માંગવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના ટોપ લેવલના સૂત્રોએ જણાવ્યું છે કે મલ્ટિ એજન્સી ગ્રુપની બે મહત્વપૂર્ણ બેઠક થઈ ગઈ છે.આ ગ્રુપના વડા તરીકે સીબીડીટીના અધ્યક્ષ છે ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ,રિઝર્વ બેન્ક તથા ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ પણ સામેલ છે. પેન્ડોરા પેપર્સમાં જેમના નામો ચમકયા છે તે તમામને આવકવેરા કાયદાની કલમ 131 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે તેનો અર્થ છૂપાવેલી આવક-સંપત્તિનો થાય છે.
પેન્ડોરા પેપર્સમાં 300થી વધુ ભારતીયોના નામ છે ઉપરાંત વિદેશી કંપનીઓમાં 60થી વધુ જાણીતી સેલિબ્રિટીનું રોકાણ માલુમ પડયું છે.આવકવેરા વિભાની નોટિસોમાં સંબંધિત વ્યક્તિઓ પાસેથી અનેકવિધ ખુલાસા માંગવામાં આવ્યા છે.વિદેશી કંપનીની કે ટ્રસ્ટની વિગત સાચી છે ? આવકવેરા રિટર્નમાં વિદેશી સંપત્તિ સંબંધી કોલમમાં તેની માહિતી આપવામાં આવી છે ?
એક સિનિયર અધિકારીએ કહ્યું કે ભારત સરકારે પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે. એક ડઝનથી વધુ ભારતીયો સામે તો અગાઉના કેસોમાં પણ તપાસ ચાલુ છે તેવા સમયે પેન્ડોરા પેપર્સમાં પણ નામ નીકળતા મોટા પ્રમાણમાં નાણાં છૂપાવ્યા હોવાની શંકા દૃઢ બની છે. 2016ના પનામાં પેપર્સ તથા 2017ના પેરેડાઈઝ પેપર્સમાં ચમકેલા કેટલાક નામોની ઓળખ મળી છે.
સૂત્રોએ એમ કહ્યું કે, પેન્ડોરા પેપર્સના અમુક લોકો તો જેલમાં છે, અમુક જામીન પર પણ છે, અમુક ડિફોલ્ટર થયા હોવા છતાં વિદેશોમાં મસમોટી મિલકતો ધરાવે છે.અનેક પ્રમોટરોએ ટ્રસ્ટના નામે જંગી નાણાં વિદેશોમાં ધકેલી દીધા છે.વિદેશોમાં ટ્રસ્ટ સ્થાપવાની ભારતમાં કાયદાકિય જોગવાઈ હોવા છતાં સરકાર ફરી ‘એસ્ટેટ ડયુટી’ ઝીંકશે તેવી આશંકાથી ધનકુબેરોએ ધસારો કરી મુકયો હતો.નાણાં મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, અગાઉના પનામા તથા પેરેડાઈઝ પેપર્સની તપાસમાં 15 સપ્ટેમ્બર 2021ની સ્થિતિએ 20,352 કરોડના છૂપાવેલા નાણાંનો પર્દાફાશ થયો હતો.

