જેરુસલેમ, તા. 23. નવેમ્બર : ઈઝરાયેલની સેના છેલ્લા કેટલાક સમયથી જે રીતે તૈયારી કરી રહી છે તે જોતા ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટસ પર તે હુમલો કરશે તેવી અટકળો અને ચર્ચાઓ શરુ થઈ છે.ઈરાન કોઈ પણ હિસાબે અણુ બોમ્બ હાંસલ કરવા માંગે છે.આ માટે તે પોતાના ન્યુક્લીયર પ્લાન્ટસને પૂરજોશમાં ચલાવી રહ્યુ છે અને બીજી તરફ ઈઝરાયેલ કોઈ પણ સંજોગોમાં ઈરાનને અણુ બોમ્બ બનાવતા રોકવા માંગે છે.
તાજેતરમાં ઈઝરાયેલના રણમાં એક એર બેઝ પર વોર ગેમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં ઈઝરાયેલ સહિત સાત દેશોના લડાકુ વિમાનોએ ભાગ લીધો હતો.આ વોર ગેમનો હેતુ ઈરાનને ચેતવણી આપવાનો હોવાનુ કહેવાઈ રહ્યુ છે.ઈઝરાયેલી સરકારે ઈરાનના ન્યુક્લીયર સાઈટસ પર સંભવિત હુમલા માટે ઈઝરાયેલની સેનાને તૈયાર કરવા માટે 1.5 અબજ ડોલરનુ અલાયદુ બજેટ ફાળવ્યુ છે.બીજી તરફ ઈઝરાયેલના નેતાઓ અને સૈન્ય અધિકારીઓ આંતરે દિવસે ઈરાનને હુમલાની ચેતવણી આપી રહ્યા છે.
આ જાણકારી એવા સમયે સામે આવી છે જ્યારે ઈરાન અને દુનિયાની પાંચ મહાસત્તાઓ વચ્ચે 2015માં જે કરાર થયા હતા તેને ફરી બહાલ કરવા માટે ચર્ચા થવાની છે.આ સમજુતિ હેઠળ ઈરાન પોતાની પરમાણુ ગતિવિધિઓ પર કંટ્રોલ લાવવાનુ હતુ અને તેના બદલામાં ઈરાન પરના નિયંત્રણો હટાવવાનો પ્રસ્તાવ હતો.જોકે 2018માં અમેરિકા પાછુ હટયુ હતુ અને તેણે ફરી નિયંત્રણો લગાવી દીધા હતા.દુનિયાના ઘણા દેશોને ઈરાન પર ભરોસો નથી અને તેમને લાગે છે કે, ઈરાન પરમાણુ બોમ્બ હાંસલ કરવા માંગે છે.


