કડોદરા : સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર શેરડી ભરેલી બે ટ્રક કડોદરા અને વડદલા ખાતે પલ્ટી મારતા હાઇવે ઉપર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રીના સમયે પલસાણા તાલુકાના પૂણી ગામેથી શેરડી ભરીને એક ટ્રક નંબર GJ-03-V-7468 ચલથાણ સુગર ફેક્ટરી તરફ આવી રહી હતી ત્યારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડદલા ગામના પાટિયા પાસે ટ્રકની કમાનનો ગુટકો તૂટી જતા ટ્રક એક તરફ નમી જતા ટ્રક ઉભી રાખી હતી અને ટ્રક ડ્રાઈવર કઈ સમજે તે પહેલા જ ટ્રકમાં રહેલી શેરડીના વજનને કારણે ટ્રક પલ્ટી મારી ગઈ હતી.જ્યારે બીજા બનાવમાં માંડવી તરસાડાથી શેરડી ભરીને એક ટ્રક નંબર GJ-16-T-9450 શેરડી ભરીને ચલથાણ સુગર ફેક્ટરી તરફ આવી રહી હતી ત્યારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર કડોદરા અરિહંત પાર્કની સામે પુર ઝડપે આવતી ઇકો કારને બચાવવા જતા શેરડી ભરેલી ટ્રક પલ્ટી ગઈ હતી.બન્ને અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.જ્યારે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.ઘટનાની જાણ પોલીસને થતાં જામ થયેલા ટ્રાફિક ભારણને હળવું કરવાની કામગીરી હાથ ધરી હતી.


