ઠંડીનો પ્રકોપ: જાણો શા માટે ઉત્તર ભારતમાં અચાનક ઠંડીનું જોર વધી ગયું અને ક્યાં સુધી કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે

175
  • વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વખતે “લા નીના”ના કારણે તીવ્ર ઠંડીની સ્થિતિ ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી ચાલશે

નવી દિલ્હી,તા.21ડિસેમ્બર,મંગળવાર : ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.રાજધાની દિલ્હીની સાથે સાથે રાજસ્થાન,પંજાબ,ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,હિમાચલ પ્રદેશ,મધ્યપ્રદેશ,હરિયાણા, ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં આગામી કેટલાક દિવસો સુધી તીવ્ર ઠંડીની સ્થિતિની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આ રાજ્યો માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું.આઈએમડીની આ ભવિષ્યવાણી મોટા પ્રમાણમાં સાચી થતી જણાઈ રહી છે કારણ કે,આખા ઉત્તર ભારતમાં છેલ્લા 3 દિવસથી ન્યૂનતમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે.

જો માત્ર દિલ્હીના તાપમાનની જ વાત કરવામાં આવે તો,શનિવારે ત્યાં લઘુત્તમ તાપમાન 6°સે હતું અને રવિવારે 4.6°સે હતું.સોમવારે સવારે દિલ્હીએ સીઝનની સૌથી ઠંડી સવાર જોઈ જ્યારે લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું.આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકો ચિંતામાં છે કે,આ ઠંડીનો પ્રકોપ ક્યાં સુધી ચાલશે અને ડિસેમ્બરના મધ્યમાં ઠંડી અચાનક આટલી કેમ વધી ગઈ?

શું છે ઉત્તર ભારતમાં ઠંડી વધવાનું કારણ?

નિષ્ણાતોના મતે ભારતમાં આ વર્ષે તીવ્ર ઠંડી પાછળનું એક કારણ ‘લા નીના’ની અસર છે.અમેરિકન જીઓ સાયન્સ ઇન્સ્ટિટ્યુટ અનુસાર “અલ નીનો” અને “લા નીના” શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સમુદ્રી સપાટીના તાપમાનમાં સમય સમય પર થતા બદલાવોથી છે અને તેની અસર દુનિયાભરના હવામાન પર પડે છે.સીધા શબ્દોમાં સમજીએ તો અલ નીનોના કારણે તાપમાન ગરમ થાય છે અને લા નીનાના કારણે તાપમાન ઠંડુ થાય છે.બંને સામાન્ય રીતે 9-12 મહિના સુધી રહે છે પરંતુ અસાધારણ કિસ્સાઓમાં ઘણા વર્ષો સુધી રહી શકે છે.

જ્યારે ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગર વિસ્તારની સપાટી પર હવાનું દબાણ ઓછું હોય ત્યારે આ સ્થિતિ સર્જાય છે.તેની ઉત્પત્તિના વિવિધ કારણો માનવામાં આવે છે પરંતુ સૌથી પ્રચલિત કારણ એ છે કે,તે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ટ્રેન્ડ વિન્ડ એટલે કે પૂર્વ દિશાનો પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે.તેનાથી સમુદ્રી સપાટીનું તાપમાન ઘણું ઓછું થઈ જાય છે.આની સીધી અસર દુનિયાભરના તાપમાન પર થાય છે અને તાપમાન સરેરાશ કરતા વધારે ઠંડુ થઈ જાય છે.લા નીનાથી સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમમાં હવામાન ઠંડુ અને દક્ષિણ-પૂર્વમાં હવામાન ગરમ હોય છે.ભારતમાં આ દરમિયાન તીવ્ર ઠંડી રહે છે અને વરસાદ પણ સારા પ્રમાણમાં પડે છે.

ભારતમાં કઈ રીતે પડી રહી છે અસર

લા નીનાના કારણે પૂર્વમાં સ્થિત રુસના સાઈબેરિયા અને દક્ષિણ ચીનનો ઠંડો પવન ભારતીય મહાદ્વીપ તરફ આવે છે.આ પવનની અસર એવી થાય છે કે,કેટલીક વાર દક્ષિણ ભારતના રાજ્યોમાં તાપમાન સરેરાશ નીચું ચાલ્યું જાય છે.શિયાળામાં ઉત્તરમાં લા નીનાના કારણે ઉત્તરી વિસ્તારથી લઈને અફઘાનિસ્તાન,ઈરાન અને હિંદુ-કુશની બરફીલી ટેકરીઓ સુધી લા નીના તીવ્ર ઠંડી ઉત્તપન્ન કરે છે.વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વખતે લા નીનાના કારણે તીવ્ર ઠંડીની સ્થિતિ ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી ચાલશે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે,આ દરમિયાન લા નીનાની અસર વધારે મજબૂત થઈ જશે.જોકે, ભારતમાં ઠંડીની તીવ્રતા માત્ર લા નીનાની અસર પર જ નિર્ભર નથી પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા કેટલાક અન્ય પરિબળો પણ શિયાળાની ઋતુમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Share Now