- લેભાગુઓના કૌભાંડના કારણે પેપર લીક થયું હતુંમાર્ચમાં નવેસરથી પરીક્ષા લેવાશે,ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવા નહીં પડે,ફુલપ્રૂફ વ્યવસ્થા સાથે પરીક્ષા યોજવા તૈયારી : આસિત વોરા મુદ્દે સરકારનું રહસ્યમય મૌન
ગૃહમંત્રીનો દાવો,પરીક્ષા પહેલાં આરોપીઓને સજા થશે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલશે
અમદાવાદ : આખરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડકલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ આ મામલે સત્તાવાર ઘોષણા કરતાં જણાવ્યું હતુંકે,માર્ચમાં હેડ કલાર્કની નવેસરથી પરીક્ષા લેવામાં આવશે.
સરકારની ચોકસાઇના અભાવે ગુજરાતના 88 હજાર પરીક્ષાર્થીઓની મહિનાઓની મહેનત માથે પડી છે.મહત્વની વાત એછેકે,હેડકલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાના કૌભાંડમાં હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામે શંકાની આંગળી ચિંધાઇ છે ત્યારે સરકારે અધ્યક્ષ આસિત વોરા અંગે મૌન દાખવ્યુ છે.
પેપરલીક કૌભાંડમાં સરકારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે ત્યારે દસેક દિવસના અંતે રાજ્ય સરકારે હેડકલાર્કની પરીક્ષા રદ કરવા નિર્ણય કર્યો છે.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે,યુવા ઉમેદવારોની મહત્વકાંક્ષા પર આંચ ન આવે તે માટે લેખિત પરીક્ષા રદ કરાઇ છે.અત્યાર સુધી આ સમગ્ર પ્રકરણમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી રૂા.30 લાખ રિકવર કરાયા છે.
પેપરલીક કૌભાંડમાં આરોપી નંબર વન જયેશ પટેલને પણ પોલીસે પકડી પાડયો છે.સૂર્યા ઓફસેટના કર્મચારીઓ અને માલિક સામે ય કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે.ગૃહમંત્રીએ દાવો કર્યો કે,માર્ચમાં નવેસરથી પરીક્ષા યોજાય તે પહેલાં આરોપીનો સજા જશે.ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.એટલું જ નહીં,ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલશે.
સરકારે નક્કી કર્યુ છેકે,હેડકલાર્કની પરીક્ષામાં ઉમેદવારોએ નવેસરથી ફોર્મ ભરવાના નહી રહે.ઉંમર પૂર્ણ થતી હશે તો પણ માન્ય ગણાશે.આ ઉપરાંત પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ફુલપ્રૂફ વ્યવસ્થા સાથે પરીક્ષા યોજવા પણ સરકારે તૈયારીઓ કરી છે.
હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષામાં ક્યાં છિંડા રહેલાં છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.આંખે ઉડીને વળગે તેવી વાત તો છેકે,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના રાજીનામાની માંગ ઉઠી છે ત્યારે સરકારે આ મુદ્દે મૌન સેવ્યુ છે જે શંકાને પ્રેરે છે.સરકારની ચોકસાઇના અભાવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર ફુટવાની ઘટનાઓ બની રહી છે.
એટલું જ નહીં,લેભાગુ તત્વોએ પણ સરકારની નિષ્કાળજીનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે સરકારી ભરતી પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી છે.આ ઉપરાંત લાખો યુવા બેરોજગારોનો પણ સરકાર પરથી ભરોસો ઉઠવા માંડયો છે.આગામી દિવસોમાં પેપરલીક કૈૈાભાડમાં વધુ નવા ખુલાસો થઇ શકે છે.
પેપર ખરીદનારા પરીક્ષાર્થીઓ સામે પણ પોલીસ કાર્યવાહી થશે
હેડકલાર્કની પરીક્ષામાં શોર્ટ કટ અજમાવી પ્રશ્નપત્ર ખરીદનારાં પરીક્ષાર્થીઓ સામે ય પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.પોલીસને જાણકારી મળી છે કે,કુલ મળીને 70 જણાંએ પ્રશ્નપત્ર ખરીદ્યા છે.ગૃહ વિભાગે પ્રશ્નપત્ર વેચનારા અને ખરીદનારા સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.ગૃહ વિભાગના આદેશને પગલે પેપર ખરીદનારાં પરીક્ષાર્થીઓય ફફડી ઉઠયા છે.
સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતની પોલીસે પૂછપરછ શરૂ કરી
સાણંદ સ્થિત સૂર્યા ઓફસેટમાંથી હેડ કલાર્કની પરીક્ષાનુ પ્રશ્નપત્ર લીક થયુ છે.સૂર્યા ઓફસેટમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા કિશોર આચાર્યએ પ્રશ્નપત્રની કોપી મંગેશ સિરકેને આપી હતી.આ ઘટના બાદ આજે પોલીસ સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતની પોલીસે પુછપરછ કરી હતી.ઉલ્લેખનીય છે કે,ગુજરાત યુનિવર્સિટી પેપર અને ઉત્તરવહી કૌેભાંડમાં ય મુદ્રેશ પુરોહિત સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે.


