- ઉત્સવોમાં ડૂબેલી સરકાર ત્રીજી લહેર ભયાનક બનશે ત્યારે લાચાર બનશે
હાલ ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન વેરિઅન્ટના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.ત્યારે ગુજરાત સરકાર જાણે હોસ્પિટલો ફરીથી ઉભરાય અને ગુજરાતની જનતા ફરી બીજી લહેરની જેમ પીસાઈ તેવી રાહ જોઇને બેઠી હોય તેવી નીતિ અપનાવી રહી છે.એકબાજુ દિવસ દરમિયાન કોરોનાના સુપરસ્પ્રેડર હોય તેમ જાહેર કાર્યક્રમોની ભરમાર કરી રહ્યા છે.જ્યારે બીજી બાજુ સાંજ પડે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને અધિકારીઓ કોરોનાની સમીક્ષા કરવાના નાટક કરતા હોય તેવી સ્થિતિ હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.જો સરકાર ખરેખર કોરોનાના વધતા કેસો મામલે ગંભીર હોય તો કાર્યક્રમોના તાયફા બંધ કરીને સાચી દિશામાં કોરોનાની સમીક્ષા કરી બીજી લહેરમાંથી બોધપાઠ લઈને પ્રજાને ત્રીજી લહેરના સંભિવત કહેર અને ડરમાંથી દૂર કરવા પ્રયત્નો કરવા જોઇએ.
માત્ર 9 જ દિવસમાં કેસો 500ને પાર
જો હજુ પણ સાવચેતી નહીં રાખવામાં આવે તો બીજી લહેર જેવી સ્થિતિ ઉભી થવાની શક્યતા છે.લોકોને સતત સોશિયલ ડિસ્ટન્સિગ,માસ્ક અને ભીડથી દૂર રહેવાની સલાહ આપતી સરકાર જ ગાઇડલાઇનનો ભંગ કરી રહી છે.21મી ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના 87 કેસ નોંધાયા બાદ માત્ર 9 જ દિવસમાં એટલે કે 30 ડિસેમ્બરે દૈનિક કેસોની સંખ્યા 573 પર પહોંચી ગઈ છે.
સરકારનું લક્ષ્ય પ્રજાહિત નહીં પણ વિધાનસભા ચૂંટણી
કોરોનાની બીજી લહેર બાદ બદલાયેલી ગુજરાત સરકાર જાણે ત્રીજી લહેરની તૈયારી કરી રહી છે.તેમની હાલની તૈયારી ત્રીજી લહેરને રોકવા કરતાં ત્રીજી લહેરને નોંતરવાની વધુ લાગી રહી છે.હાલ રાજ્યમાં દૈનિક કેસ 500થી વધુ છે અને નિષ્ણાતો ફેબ્રુઆરીમાં ત્રીજી લહેરની પીક આવશે તેવું જણાવી રહ્યાં છે.તમે વિચારી શકો છો કે,આ આંકડો કેટલો ઊંચે પહોંચી શકે છે.આમ છતાં,ગુજરાત સરકારનું લક્ષ્ય પ્રજાહિત નહીં પણ વિધાનસભાની ચૂંટણી છે.ચૂંટણી જીતવા સરકારે સુશાસન સપ્તાહને નામે વિવિધ ઉજવણીઓ પણ શરૂ કરી દીધી છે.નદી ઉત્સવ અને સુશાસન સપ્તાહના કાર્યક્રમો યોજીને સરકાર જ ભીડ ભેગી કરી રહી છે.


