- પિતાને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પેટીમાં રાખેલું બાળક ગુજરી ગયાની જાણ કરાઈ હતી
- જીવિત બાળકીને સ્થાને મૃત બાળક આપી દેવાતાં લોકોમાં નારાજગી
- પરિવારજનો રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા
કચ્છના વડા મથક ભુજ ખાતે આવેલી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ દ્વારા વધુ એક બેદરકારીનો બનાવ સામે આવ્યો છે.અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે આજે શુક્રવારે સવારે એક પરિવારની સારવાર હેઠળની જીવિત બાળકીના સ્થાને મૃત બાળક સોંપી દેવાની ઘટના બનવા પામી હતી.બનાવને પગલે નારાજ પરિવારજનો દ્વારા કલેક્ટર કચેરીએ અને ડીડીઓ કચેરીએ રૂબરૂ પહોંચી રજૂઆત કરવામાં આવી હતી તેમજ મૃત બાળક કોનું એવો પ્રશ્ન પણ કરાયો હતો.બાદમાં અધિકારીના કહેવાથી મૃત બાળકને પરત જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સુપરત કરવામાં આવ્યું હતું.
સૂત્રો અનુસાર,નખત્રાણા તાલુકાના નેત્રા ગામના કરીમ બારાચ ત્રણ દિવસ પૂર્વે તેમનાં પત્નીને પ્રસૂતિ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યાં હતાં.જ્યાં તેને ઓપરેશન હેઠળ એક બાળકીનો જન્મ થયો હતો.આ બાળકીને સારવારની જરૂર હોઇ તેને શિશુ વિભાગમાં પેટીમાં રખાઈ હતી.
બાળકી જીવિત અને સલામત છે
દરમિયાન આજે શુક્રવારે ચોથા દિવસે જી.કે.જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીના પિતા કરીમભાઇને તમારું બાળક ગુજરી ગયું હોઈ,લઈ જવાની જાણકારી આપવામાં આવી હતી.પિતાએ શિશુ બાળના મૃતદેહનો સ્વીકાર કરી પરિવારજનોને સોંપ્યો હતો.મૃતદેહને દફન વિધિ માટે લઈ જતા સમયે રસ્તામાં બાળકને સરખું કરતા ખ્યાલ આવ્યો હતો કે બાળકીને બદલે બાળક છે.ત્યારે કરીમભાઇના પિતરાઈ ભાઈ અબ્દુલભાઈએ આ વિશે જાણકારી આપી તપાસ કરવાનું કહેતાં ખ્યાલ આવ્યો હતો કે તેમની બાળકી સલામત અને જીવિત છે.મૃત બાળક કોનું ?
હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઈને એક પરિવારને દોડતા થઈ જવું પડ્યું હતું.તો તેમણે રાહતનો શ્વાસ લઈ ઉપરવાળાનો આભાર પણ માન્યો હતો,પરંતુ બેદરકારી બદલ પડેલી હેરાનગતિ અને હાથમાં રહેલું બાળક કોનું એવા પ્રશ્ન અને નારાજગી સાથે પરિવારજનો કલેક્ટર કચેરીએ અને ત્યાંથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી.અધિકારી દ્વારા હાલમાં બાળકના દેહને જી.કે.જનરલ હોસ્પિટલમાં સુપરત કરી આપવાનું કહેવાયું હતું.લોકોમાં નારાજગી અને અસુરક્ષાનો ભાવ
અલબત્ત,જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ દ્વારા આ પ્રકારની બેદરકારીને લઈ લોકોમાં નારાજગી અને અસુરક્ષાનો ભાવ પેદા થઈ રહ્યો છે.નોંધનીય છે કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ હાજી ઈબ્રાહિમ હાલેપોત્રા,પૂર્વ મહામંત્રી સતાર માજોઠી અને રફીક મારા સહિતના આગેવાનોએ બેદરકારી દાખવનારા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ માગણી કરાઈ છે.
ભુજની જીકે હોસ્પિટલની ઘોર બેદરકારી : હોસ્પિટલે જીવિત બાળકીને સ્થાને મૃત બાળક આપી દીધું,દફનવિધિએ જતી વખતે પિતાને જાણ થઈ કે….

Leave a Comment

