કપિલ શર્માએ હવે પોતાના વિશે પણ એક ખુલાસો કર્યો છે
મુંબઇ : કોમેડિયન કપિલ શર્મા એક એવું નામ બની ગયું છે જે ઘર-ઘર લોકપ્રિય છે.તેનો શો ‘ધ કપિલ શર્મા શો’ ટીવીની દુનિયાનો ખૂબ જ પ્રખ્યાત શો છે,જ્યાં ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ જોવા મળે છે.દરેકના જીવન વિશે નવા નવા ખુલાસા અને મસ્તી મજાક કરનાર કપિલ શર્માએ હવે પોતાના વિશે પણ એક ખુલાસો કર્યો છે.આ ખુલાસો ગિન્ની ચતરથને પ્રપોઝ કરવાને લઇને છે.
બંને સાથે થિયેટર કરતા હતા. હવે કપિલ શર્માએ એક વીડિયોમાં ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેણે એક દિવસ નશામાં ગિન્ની ચતરથને પ્રપોઝ કરવા માટે જરૂરી હિંમત એકઠી કરી હતી.નેટફ્લિક્સે તેના આગામી નેટફ્લિક્સ સ્પેશિયલ કપિલ શર્મા:આઇ એમ નોટ ડન સ્ટિલનો નવો પ્રોમો રીલિઝ કર્યો છે.જેમાં કપિલ શર્માએ આ વાતનો ખુલાસો કર્યો છે.કપિલ શર્મા આ વીડિયોમાં કહે છે કે તેણે નશાની હાલતમાં ગિન્નીને પ્રપોઝ કર્યું હતું.
કપિલ શર્મા કહે છે,એક દિવસ જ્યારે ગિન્નીએ મને ફોન કર્યો ત્યારે મેં ઓફિસર્સ ચોઈસ પીધું હતું.મેં ફોન ઉપાડતાની સાથે જ પૂછ્યું,”શું તું મને પ્રેમ કરે છે?આ સાંભળીને ગિન્ની ચોંકી ગઈ અને કહ્યું,આ માણસમાં હિંમત કેવી રીતે આવી ગઇ.કપિલ શર્મા કહે છે કે હું આભારી છું કે મેં તે દિવસે તાડી પીધી ન હતી.નહીંતર મારો પ્રશ્ન હોત કે,ગિન્ની,તારા પિતાને ડ્રાઈવરની જરૂર છે?
નોંધનીય છે કે,કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથના લગ્નને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.તેણે 12 ડિસેમ્બર 2018ના રોજ ગિન્ની સાથે લગ્ન કર્યા હતા.તેમની પુત્રીનું નામ અનાયરા અને પુત્રનું નામ ત્રિશાન છે.કપિલ શર્માએ ગિન્ની સાથેની તેની લવ સ્ટોરી વિશે ભાગ્યે જ વધારે વાત કરી છે,પરંતુ હવે તેણે એક મહત્વનો ખુલાસો કર્યો છે.

