- ડિસેમ્બર મહિનામાં બિહારના ગોપાલગંજ ખાતે 3 હાથ અને 3 પગવાળા બાળકનો જન્મ થયો હતો
નવી દિલ્હી,તા.20 જાન્યુઆરી,ગુરૂવાર : બિહારના કટિહાર ખાતે 4 હાથ અને 4 પગવાળા એક બાળકનો જન્મ થયો છે.આજુબાજુના વિસ્તારમાં આ બાળક અંગે જાણ થઈ તે સાથે જ બાળકની એક ઝલક મેળવવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ જામવા લાગી હતી.આ બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
બિહારના કટિહાર ખાતે આવેલી સદર હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો હતો.કેટલાક લોકો આ બાળકને કુદરતના કરિશ્મા સમાન ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને ભગવાનનો અવતાર માની રહ્યા છે.જોકે,ડોક્ટર્સના કહેવા પ્રમાણે આ બાળક ફિઝિકલી હેન્ડિકેપ છે અને અસામાન્ય છે.સાથે જ ડોક્ટર્સે એમ પણ કહ્યું હતું કે,તેને અનોખું બાળક ન કહેવું જોઈએ.
પશ્ચિમ બંગાળ નિવાસી બાળકના પિતાએ જણાવ્યું કે,ડિલિવરી પહેલા બાળકની તપાસ કરાવવામાં આવી હતી અને અલ્ટ્રાસાઉન્ડ કરાવાયું હતું પરંતુ તપાસ રિપોર્ટમાં ડોક્ટર્સે એમ જ કહ્યું હતું કે,બાળક ઠીક છે.જોકે,જન્મ બાદ આ બાળક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.આ બાળકનો પરિવાર ઈચ્છે છે કે,તે નોર્મલ જિંદગી જીવે માટે સર્જરીની જરૂર પડશે.જોકે પરિવાર આર્થિક રીતે સધ્ધર ન હોવાથી મુશ્કેલી પડી શકે છે.
ગોપાલગંજ ખાતે પણ આવી ઘટના સામે આવી
ડિસેમ્બર મહિનામાં બિહારના ગોપાલગંજ ખાતે 3 હાથ અને 3 પગવાળા બાળકનો જન્મ થયો હતો. વૈકુઠપુરના રેવતિથનિવાસી મોહમ્મદ રહીમ અલીની 30 વર્ષીય પત્ની રબીના ખાતૂન ડિલિવરી માટે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ થઈ હતી.ત્યાં નોર્મલ ડિલિવરી દરમિયાન વિચિત્ર દેખાવ ધરાવતા બાળકનો જન્મ થયો હતો.તે બાળકને 3 પગ અને 3 હાથ હતા.પરિવારજનોએ અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવેલું પરંતુ રિપોર્ટમાં આ વાતની ખબર નહોતી પડી.

