નવી દિલ્હી,તા.03 જાન્યુઆરી,ગુરૂવાર : આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2022નો બીજો સેમીફાઈનલ મુકાબલો ગયા બુધવારે ભારતીય અંડર-19 ટીમ અને ઓસ્ટ્રેલિયાઈ અંડર-19 ટીમ વચ્ચે એન્ટિગુઆ ખાતે કૂલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયો હતો.આ હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે વિપક્ષી ટીમને 96 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
કૂલીઝમાં આ મોટી જીત સિવાય ટીમ ઈન્ડિયાએ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.હકીકતમાં ઓસ્ટ્રેલિયાની સામે સેમીફાઈનલ મુકાબલામાં મળેલી આ મોટી જીતની સાથે જ ભારતીય ટીમ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલ માટે સતત ચાર વાર ક્વોલિફાઈ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.ટીમ ઈન્ડિયાએ સૌ પ્રથમ વર્ષ 2000માં ફાઈનલની ટિકિટ કાપી હતી.
ત્યાર બાદ ટીમે વર્ષ 2006, વર્ષ 2008, વર્ષ 2012, વર્ષ 2016, વર્ષ 2018, વર્ષ 2020, અને હવે વર્ષ 2022માં પણ ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.ટીમ ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન વર્ષ 2000 અને વર્ષ 2008, વર્ષ 2012 અને વર્ષ 2018માં આઈસીસી અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો જ્યારે તેમને વર્ષ 2006, વર્ષ 2016 અને વર્ષ 2020માં ફાઈનલ મુકાબલામાં નિરાશા મળી હતી.
જણાવી દઈએ કે, આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2022નો ફાઈનલ મુકાબલો આગામી 5 ફેબ્રુઆરીએ રમાશે.ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ અંડર-19 ટીમની સાથે છે.જો ભારતીય યુવા આ મેચમાં વિપક્ષી ટીમને હરાવવામાં સફળ રહે છે તો આ ટીમ ઈન્ડિયાનો પાંચમો આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ખિતાબ હશે.


