– ખરાબ હવામાનના લીધે મોદીએ ઉ.પ્ર.માં રેલી રદ કરતાં રાષ્ટ્રીય લોકદળના જયંત ચોધરીનો પીએમ પર કટાક્ષ
લુધિયાણા : પંજાબમાં પીએમ મોદી પછી રાહુલ ગાંધીની સલામતી વ્યવસ્થામાં થયેલી ચૂકના લીધે સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચ્યો હતો. રાહુલ ગાંધી કોંગ્રેસના સીએમ ચહેરાનું એલાન કરવા લુધિયાણા આવ્યા હતા. હલવારાથી લુધિયાણા જતા સમયે એક યુવકે તેમના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. હલવારાથી લુધિયાણા હયાત રિજન્સી જતા હતા ત્યારે તેમની કાર હર્શિલા રિસોર્ટ પાસે પહોંચી ત્યારે કાચ ખોલી લોકોનું અભિવાદન સ્વીકારતી વખતે એક યુવકે ઝંડો ફેંક્યો જે તેમના મોઢા પર વાગ્યો,પણ ગંભીર ઇજા થઈ ન હતી.
તેના પછી રાહુલે કાચ બંધ કરી દીધો હતો.ઘટના સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડ કાર ચલાવી રહ્યા હતા.જ્યારે ચરણજીતસિંહ ચન્ની અને સિદ્ધુ પાછળ બેઠા હતા.ઘટના પછી સુરક્ષા એજન્સીઓ વધારે સચેત થઈ ગઈ.ઝંડો ફેંકનાર યુવક નેશનલ સ્ટુડન્ટન્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઇ- કોંગ્રેસની વિદ્યર્થી પાંખ)નો હતો. તેણે ઉત્સાહમાં આવી ઝંડો રાહુલ તરફ ફેંક્યો હતો. જો કે પોલીસે આવી કોઈ ફરિયાદ નોંધી નથી.
આ ઉપરાંત ચૂંટણીના આરે ઉભેલા ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજનોર ખાતેની ફિઝિકલ રેલી રદ કરી હતી અને તેના બદલે વર્ચ્યુઅલ ચૂંટણી મીટિંગને સંબોધન કર્યુ હતું.બર્દમાન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ રેલી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી,પરંતુ ખરાબ હવામાનના પગલે મોદી પહોંચી શકયા ન હતા.
આ અંગે રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપ માટે ખરેખર ખરાબ હવામાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે.જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે મોદીની રેલી યોજાવવાની છે તે સ્થળ બીજનૌર ખાતે સૂરજનો તાપ બરોબર તપી રહ્યો છે,પરંતુ ભાજપ માટે ખરાબ હવામાનનો પ્રારંભ થઈ ગયો છે.
મોદીએ વર્ચ્યુઅલ રેલીમાં જણાવ્યું હતું કે બનાવટી સમાજવાદીઓ સત્તા પર કબ્જો કરવા માંગે છે. આ નકલી સમાજવાદીઓએ ઉત્તરપ્રદેશમાં વિકાસની ગંગાને અટકાવી દીધી છે,જેને યોગી આદિત્યનાથે કેન્દ્રની ભાજપની સરકારને પૂરબહારમાં વહાવી છે.હવે યુપી વાસીઓએ ગંગાનો આ અવિરત પ્રવાહ જારી રાખવાનો છે.
બીજી બાજુ ભાજપના જ સહયોગી અપના દલે જણાવ્યું હતું કે તેઓ ફક્ત હિંદુત્વને જ વરેલા છે તેવું નથી.તેમના પક્ષનો મુખ્ય ધ્યેય સામાજિક ન્યાય છે અને મુસ્લિમો તેમના માટે અસ્પૃશ્ય નથી.તેઓનો મુખ્ય હેર્તુ સામાજિક ન્યાય છે.


