નવી દિલ્હી, તા.4.ફેબ્રુઆરી 2022 શુક્રવાર : પીએમ મોદીએ યુપીમાં ચૂંટણી પ્રચારના ભાગરુપે એક કાર્યક્રમને વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરીને અખિલેશ યાદવ પર જોરદાર પ્રહારો કર્યા હતા.સમાજવાદી પાર્ટીને માફિયાવાદી પાર્ટી ગણાવીને પીએમ મોદીએ કહ્યુ હતુ કે,કેન્દ્રની યોજનાઓનો લાભ આ માફિયાવાદીઓ લોકો સુધી પહોંચવા દેતા નહોતા.કેન્દ્રની યોજનાઓમાં તેમની મનમાની નહોતી ચાલતી ત્યારે તેઓ આ યોજનાઓ પર બ્રેક મારી દેતા હતા.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે,જો આ લોકોને તક મળી ગઈ તો ખેડૂતોના પરિવારોને મળતી મદદ બંધ કરાવી દેશે.નકલી સમાજવાદીઓ ખેડૂતોને મળતા હજારો કરોડો રુપિયા અટકાવી દેશે.તમને જે મફત રેશન મળે છે તે પણ તમારા સુધી પહોંચવા નહીં દે અને તમને ભૂખે મારશે.દલિતોના બાળકોને જે સ્કોલરશિપ મળે છે તે બંધ કરાવી દેશે.મધ્યમવર્ગના ખિસ્સા પર તરાપ મારીને આ નકલી સમજવાદીઓ સરકારની જમીનો માફિયાઓને આપી દેશે.આ સમાજવાદીઓ ખાલી કાગળ પર છે અને હકીકતમાં તેઓ પરિવારવાદી છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે,મનેખુશી છે કે,યુપીના લોકોએ તોફાનીઓ અને માફિયાઓને રાજ્યમાં સત્તા પર નહીં લાવવાનુ મન બનાવી દીધુ છે.યુપી માટે આ ચૂંટણી રાજ્યની સુરક્ષા,સન્માન અને સમૃધ્ધિની ઓળખ બનાવી રાખવા માટે છે.પાંચ વર્ષ પહેલા ગાઝિયાબાદમાં કનેક્ટિવિટી શું હતી તે તમને ખબર છે.આ ક્ષેત્રની કનેક્ટિવિટી હવે બહેતર બની છે.અલીગઢમાં ડિફેન્સ કોરિડોરનુ કામ શરુ થયુ છે અને તેનાથી યુવાઓને રોજગારના નવા અવસર મળી રહ્યા છે.


