– મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છેઃ પાંચ વર્ષથી માંગણીના ટેકામાં રેલ રોકો આંદોલન સહિત દેખાવો છતા ઉકેલ નહી
સુરત : સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં વસતા ઉત્તર ભારતીયો માટે ટ્રેનની સુવિધાઓ વધારવામાં આવે એવી રજૂઆત આજે રેલ રાજ્ય મંત્રી સમક્ષ ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિએ મૂકી હતી.
દક્ષિણ ગુજરાત દેશનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે,જેમાં દેશભરના ખાસ કરીને ઉત્તર ભારતમાંથી 20 લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે,જેમના આવા-ગમન માટે એકમાત્ર સાધન રેલ છે.પરંતુ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે,જેથી મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે.આ હકીકતથી રેલવે તંત્ર પણ સારી રીતે પરિચિત છે.
ઉત્તર ભારતની રેલ સમસ્યા માટે રચાયેલી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ છેલ્લા ૫ વર્ષથી સંઘર્ષ કરી રહી છે,જે અંતર્ગત બે વિશાળ રેલી,સેંકડો જાહેર સભાઓ,રેલ રોકો આંદોલન,રેલ મંત્રીનો ઘેરાવ, સહિત વિવિધ અધિકારીઓ સાથે મંત્રણા કરવામાં આવી છે.રેલવે અધિકારીઓએ ખાતરી આપી હતી કે,ઉધના-જલગાંવ ટ્રેક ડબલ થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે.પરંતુ આ સમયગાળા દરમિયાન કોવિડ રોગચાળો આવવાના કારણે વહીવટીતંત્રની વિનંતીને કારણે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું.કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશને રૃબરુ મલીને માંગણીઓનો પત્ર સુપ્રત કરાતા ઉકેલની ખાતરી અપાઇ હતી.
ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિની માંગણીઓ
(1) સુરતથી અયોધ્યા,સુરતથી પટના તથા સુરતથી વાયા ભુસાવલ,રાંચી સુધીની નવી ટ્રેન શરૃ કરવામાં આવે.
(2) 09175 મુંબઈ સેન્ટ્રલ ભાગલપુર વિશેષ ટ્રેનને નિયમિત કરવામાં આવે.
(3) 19063 ઉધના-દાનાપુર એક્સપ્રેસ, 19051 શ્રમિક એક્સપ્રેસને તથા 19053 સુરત-મુઝફ્ફરપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.
(4) 11104 બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના રૃટનું વિસ્તરણ કરી બાંદ્રાથી ગોરખપુર કરવામાં આવે.


