મુંબઈ, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : સિનેમામાં ડિસ્કો સંગીતને લોકપ્રિય બનાવનારા ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું મંગળવારે રાતના સમયે અવસાન થયું હતું.તેઓ 69 વર્ષના હતા અને તેમણે મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેઓ છેલ્લા ઘણાં સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા.લિજેન્ડરી સિંગર લતા મંગેશકરના અવસાન બાદ બપ્પીદાનું અવસાન એ મ્યુઝિક જગત માટે વધુ એક આંચકા સમાન છે.
ડિસ્કો કિંગના અવસાનથી તેમના ચાહકો,પરિવાજનો, સેલેબ્સ સૌ કોઈ ગમગીન થઈ ગયા છે.ગુરૂવારે સવારે 10:00 કલાકે બપ્પી લાહિરીના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરવામાં આવી હતી.મુંબઈના પવન હંસ સ્મશાન ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.બપ્પીદાનો દીકરો બપ્પા લાહિરી પિતાના અંતિમ સંસ્કાર માટે બુધવારે મોડી રાતે પોતાના પરિવાર સાથે યુએસથી મુંબઈ આવી પહોંચ્યો હતો.
બપ્પી લાહિરીના એક સંબંધી તરફથી મળતા અહેવાલ પ્રમાણે બપ્પીદાએ છેલ્લે પોતાની દીકરી રેમા સાથે વાત કરી હતી.તેઓ પોતાની દીકરીથી ખૂબ નજીક હતા અને તેના ખોળામાં જ દમ તોડ્યો હતો. પિતાને ગુમાવ્યા બાદ દીકરી રેમા બેસુધ છે.મુંબઈ ખાતે તેમના અંતિમ દર્શન માટે ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.