મુંબઈ, તા.20.ફેબ્રુઆરી.2022 રવિવાર : પોતાના આકરા અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતી એક્ટ્રેસ કંગના રણૌતે હવે બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને પણ સપાટામાં લીધી છે.
આગામી શુક્રવારે આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલિઝ થઈ રહી છે ત્યારે કંગનાએ નામ લીધા વગર સોશિયલ મીડિયા પર કહ્યુ છે કે,આ શુક્રવારે 200 કરોડ રુપિયાનો ધૂમાડો થઈ જવાનો છે.મૂવી માફિયા તરીકે ઓળખાતા પપ્પાની પરી કે જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે તે પરી માટે માફિયા પપ્પાએ ફિલ્મ બનાવી છે.પપ્પાએ ફિલ્મ એટલા માટે બનાવી છે કે,એવુ સાબિત થઈ શકે કે આ પરી એક્ટિંગ પણ કરી શકે છે.
કંગનાએ આગળ લખ્યુ છે કે,ફિલ્મની સ્ટાર કાસ્ટ જ તેની સૌથી મોટી નબળાઈ છે અને આ લોકો સુધરવાના નથી.જેના કારણે જ હવે બોલીવૂડની જગ્યાએ લોકો સાઉથ અને હોલીવૂડની ફિલ્મો તરફ વળી રહ્યા છે.
કંગનાએ નામ લીધા વગર કરણ જોહરને ટાર્ગેટ કરતા આગળ કહ્યુ હતુ કે,બોલીવૂડના માફિયા ડેડીએ બોલીવૂડના વર્ક કલ્ચરને એકલા હાથે ખતમ કરી નાંખ્યુ છે.આ માફિયા ડેડીએ બોલીવૂડન ઘણા મોટા નિર્દેશકોને ઈમોશનલી બ્લેકમેલ કરીને પોતાની સાવ ઉતરતી કક્ષાની પ્રોડકટ માટે કામ કરવા માટે ફરજ પાડી છે.આ શુક્રવારે રિલિઝ થનારી ફિલ્મ જોયા પછી ખબર પડશે કે વધુ એક અદભૂત ડાયરેકટર માફિયા ડેડીના શોષણનો ભોગ બન્યા છે.