– નાટોએ બ્રસેલ્સમાં 100 ફાઈટર પ્લેન, 120 જહાજ સાબદા કર્યા
– અમેરિકા-નાટોએ સીધી સૈન્ય સહાયની ખાતરી આપી હતી,હવે યુદ્ધમાં પોતાના સૈનિકો ઉતારવાનો ઈનકાર
કિવ : રશિયાએ સમગ્ર દુનિયાની અપીલ અને ચેતવણીઓની અવગણના કરીને અંતે યુક્રેન પર આક્રમણ કરી દીધું છે.આવા સમયે યુક્રેને સૈન્ય સહાયની ખાતરી આપનારું નાટો રશિયાને માત્ર આર્થિક પ્રતિબંધોની ધાકધમકી આપીને બેસી રહ્યું છે અને તેણે યુક્રેનને સૈન્ય સહાય આપવાનો ઈનકાર કરી દીધો છે.છેલ્લા કેટલાક સમયથી રશિયાના આક્રમણ સામે યુક્રેનને નાટો-અમેરિકાની સૈન્ય સહાયની આશા હતી.
જગત જમાદાર અમેરિકા અને યુરોપનું સૈન્ય સંગઠન નાટો છેલ્લા કેટલાક સમયથી રશિયાને યુક્રેન પર આક્રમણના સંજોગોમાં આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય અભિયાનની પણ ચેતવણી આપી રહ્યા હતા.તેમ છતાં ગુરુવારે સવારે રશિયન સૈન્યે યુક્રેન પર ખરેખર આક્રમણ કર્યું અને ભારે વિનાશ વેર્યો હતો.
જોકે,રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર આક્રમણ કરી શકે છે અને રશિયાએ આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે તેવી અમેરિકા અને નાટો ચેતવણી આપી રહ્યા હતા.હવે રશિયાએ ખરેખર આક્રમણ કરી દીધું છે ત્યારે નાટો અને અમેરિકાએ માત્ર રશિયાના આક્રમણની ટીકા કરી હતી અને રશિયા સામે આર્થિક પ્રતિબંધો મૂકવાની જાહેરાત કરી હતી.
યુક્રેને ગુરુવારે સૈન્ય મદદ માટે અમેરિકા અને નાટોને હાકલ કરી હતી ત્યારે રશિયન હુમલાના આઠ કલાક પછી નાટો સક્રિય થયું હતું અને તેમણે તાત્કાલિક બેઠક બોલાવી રશિયાની આકરી ટીકા કરી હતી. જોકે,નાટો અને અમેરિકાએ યુક્રેનને સીધી સૈન્ય સહાય કરવાનો અને યુક્રેનમાં રશિયા સામે લડવા તેમના સૈનિકો મોકલવાનો ઈનકાર કરી દીધો છે.
જોકે, નાટોએ કહ્યું કે રશિયાએ તેની સૈન્ય કાર્યવાહી રોકીને તાત્કાલિક યુક્રેનમાંથી હટી જવું જોઈએ.આ સાથે નાટોએ બ્રસેલ્સમાં તેના ૧૦૦થી વધુ ફાઈટર પ્લેન,૧૨૦થી વધુ જંગી જહાજોને સાબદા કર્યા છે. રશિયા યુક્રેનની સરહદે નાટો દેશો પર હુમલા કરશે તો તેણે આકરી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમ નાટોએ કહ્યું હતું.નાટોએ કહ્યું કે રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જોઈએ. રશિયાની નિયત દુનિયા જોઈ રહી છે.તે યુક્રેન પર પોતાની તાકતનો ઉપયોગ કરી રહ્યું છે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે યુક્રેન પર રશિયન કાર્યવાહીને અકારણ અને અયોગ્ય હુમલો ગણાવ્યો હતો.
યુક્રેન પર રશિયાના આક્રમણ પછી નાટોએ તાત્કાલિક એક અસાધારણ બેઠક બોલાવી હતી.ત્યાર પછી બેલ્જિયમ સ્થિત નાટોના મુખ્યાલય બ્રસેલ્સમાં સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે,અમારી પાસે અમારા હવાઈ ક્ષેત્રનું રક્ષણ કરનારા ૧૦૦થી વધુ ફાઈટર પ્લેન અને ઉત્તરથી ભૂમધ્ય સાગર સુધી સમુદ્રમાં ૧૨૦થી વધુ જંગી જહાજો છે.અમે અમારા સહયોગીઓને હુમલાથી બચાવવા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.
સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે,અમે રશિયાને તેની સૈન્ય કાર્યવાહી તુરંત રોકવા અને યુક્રેન સહિત તેની આજુબાજુથી તેના બધા જ દળોને પાછા બોલાવવા ચેતવણી આપીએ છીએ.તેમણે ઉમેર્યું કે આજે અમે વોશિંગ્ટન સંધીની કલમ ૪ હેઠળ ચર્ચા-વિચારણા કરી છે.આ દરમિયાન બધા જ સહયોગીઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે વધુ ગંભીર પગલાં લેવાશે.


