– ઇલોન મસ્ક અને સેક વચ્ચે ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો ઇલોને 10 ટકા હિસ્સો વેચવાની ટ્વિટ કરી તેના એક દિવસ પહેલા જ કિમ્બલે ટેસ્લાના 10.5 કરોડ ડોલરના શેર વેચેલા
સાન ફ્રાન્સિસ્કો : ધ યુએસ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન-સેક દ્વારા ઇલન મસ્ક અને તેમના ભાઇ કિમ્બલ મસ્કે તાજેતરમાં ટેસ્લાના શેર વેચ્યા તેમાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમનોનો ભંગ થયો છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરી છે.
ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ટેસ્લાના વડા ઇલન મસ્કે ટ્વિટરના વપરાશકારોને દસ ટકા હિસ્સો વેચવા માટે પૂછયુ અને પોતે આ વપરાશકારોના મત અનુસાર પગલાં ભરશે તેવી જાહેરાત કરી તેના એક દિવસ પહેલા ઇલોન મસ્કના ભાઇ કિમ્બલ મસ્કે ઇલેકટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના 108 મિલિયન ડોલરની કિંમતના 88,500 શેર વેચ્યા હતા તે પછી સેક દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
ટેસ્લાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં બેસતા કિમ્બલ ટેસ્લા પ્લાન અનુસાર નિયમિત અંતરે વારંવાર ટેસ્લાના શેરમાં ટ્રેડ કરે છે.સેકના અધિકારીઓ હવે એ બાબતની તપાસ કરી રહ્યા છે કે ઇલન મસ્કે તેના ભાઇ કિમ્બલને ટ્વિટરના પોલ વિશે અથવા તેમના પાંચ નવેમ્બરના સંભવિત શેર વેચાણ વિશે કહ્યું હતું તે કેમ.
આ ઉપરાંત કિમ્બલને અન્ય રીતે ઐ પોલની ખબર પડી હતી અને તેણે તેના શેરનો વેપાર કર્યો હતો એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.ઇલોન મસ્કે નવેમ્બરના આરંભમાં 16 બિલિયન ડોલર કરતાં વધારે કિંમતના શેરો વેચ્યા હતા.ગુરૂવારે સાંજે ઇલોન મસ્કે ટ્વિટ કર્યું હતું કે તે સેક સામે કેસ ઘડી રહ્યો છે અને તેણે જાહેર કર્યું હતું કે મેં લડાઇ શરૂ કરી નથી પણ હું તેનો અંત લાવીને રહીશ.
સેક અને મસ્ક વચ્ચે સપ્ટેમ્બર 2018માં ચણભણ થઇ હતી.એ સમયે સેક દ્વારા ઇલોન મસ્ક પર આરોપ મુકવામાં આવ્યો હતો કે મસ્કે રોકાણકારોને ગેરમાર્ગે દોરે તેવા ખોટા નિવેદનો કરે છે. એ સમયે ઓગસ્ટમાં ઇલોન મસ્કે ટ્વિટ કર્યું હતું કે તેણે ટેસ્લાના શેર 420 ડોલરના ભાવે ખરીદવા માટે વિરાટ ભંડોળ એકત્ર કર્યું છે.એ પછી શેરમાં લાલચોળ તેજી આવી હતી પણ ઇલોન મસ્કનો સોદો થયો નહોતો.
2019માં સેક અને કંપની તથા ઇલન મસ્ક વચ્ચે થયેલા પતાવટના કરાર અનુસાર મસ્ક અને ટેસ્લાએ દંડ પેટે 20 મિલિયન ડોલર ચૂકવવા પડયા હતા અને ત્રણ વર્ષ માટે ઇલોન મસ્કને કંપનીના ચેરમેનપદેથી રાજીનામું આપવાની ફરજ પડાઇ હતી.
આ સપ્તાહના આરંભે ઇલોન મસ્કે તેના વકીલ મારફતે યુએસ સેક પર આક્ષેપ મુક્યો હતો કે ફેડના નાણાંકીય રેગ્યુલેટરની જાહેર ટીકા કરી તેના વળતા હુમલા તરીકે સેક તેની તપાસની વિગતો લીક કરી રહી છે.સેક દ્વારા સતત તપાસ થવાન પગલે તેમના મુક્ત વાણી સ્વાતંત્ર્યને અવરોધવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવો આક્ષેપ ઇલોન મસ્કે કર્યો તેના પગલે સેકે દ્વારા આ પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી.


