નવી દિલ્હી, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર : કેન્દ્રીય મંત્રી વીકે સિંહે આજે સમાચાર એજન્સી ANIને યુક્રેનની રાજધાની કીવ ખાતે એક ભારતીય વિદ્યાર્થીને કથિત રીતે ગોળી મારી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.મંત્રીના કહેવા પ્રમાણે વિદ્યાર્થી કીવથી ભાગવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો તે સમયે ગોળીબારમાં ઘાયલ થઈ ગયો હતો.
મંત્રીએ જણાવ્યું કે,ગોળી વાગ્યા બાદ વિદ્યાર્થીને શહેરમાં પાછો લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.જનરલ વીકે સિંહે જણાવ્યું કે,’અમે રિપોર્ટ સાંભળ્યો કે કીવ છોડવા પ્રયત્ન કરી રહેલા એક વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી.તેને પાછો કીવ લઈ જવામાં આવ્યો અને આ બધું યુદ્ધની વચ્ચે બની રહ્યું છે.’
જનરલ સિંહ એ 4 મંત્રીઓમાંથી એક છે જેમને યુદ્ધ પ્રભાવિત યુક્રેનમાંથી ભારતીયોની નિકાસીના મોનિટરીંગ માટે યુક્રેનના પાડોશી દેશોમાં વિશેષ દૂત તરીકે મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,રશિયન સેના યુક્રેનમાં ભયંકર તબાહી મચાવી રહી છે.રશિયાએ યુક્રેનના પ્રમુખ પરમાણુ ઉર્જા સંયંત્ર પર પણ હુમલો કર્યો છે જેના કારણે તે પ્લાન્ટમાં આગ લાગી ગઈ છે.યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પરમાણુ ઉર્જા સંયંત્ર પર હુમલો બંધ કરવા આહ્વાન કર્યું.જ્યારે ખારકીવના મોટા ભાગના હિસ્સાઓ પર રશિયાનું નિયંત્રણ થઈ ચુક્યું છે.ત્યાં જાનમાલને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે તથા અનેક ઈમારતો-વાહનોને ખૂબ ક્ષતિ પહોંચી છે.
આ બધા વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મૈકરોનનું માનવું છે કે,રશિયા-યુક્રેન યુદ્ધમાં હાલ ‘યુક્રેનમાં સૌથી ખરાબ સમય આવવાનો હજું બાકી છે.’ મૈકરોને પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે આશરે 90 મિનિટ સુધી વાતચીત કર્યા બાદ આ મંતવ્ય રજૂ કર્યું હતું.ફ્રાંસના રાષ્ટ્રપતિના એક સહયોગીએ જણાવ્યું કે,વાતચીત દરમિયાન પુતિને સમગ્ર દેશ પર કબજાનો ઈરાદો વ્યક્ત કર્યો.


