નવી દિલ્હી, તા. 07 માર્ચ, 2022, સોમવાર : યુક્રેન ઉપર રશિયાએ શરૂ કરેલા યુદ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે.રશિયા ક્રુડ ઓઈલનું સૌથી મોટું નિકાસકાર છે અને આજે સવારે એવી ચર્ચા ચાલી રહી છે કે રશિયન સરકાર તેનું ઉત્પાદન વૈશ્વિક બજારમાં વેંચી શકે નહી તે પ્રકારે અમેરિકા,જાપાન અને યુરોપીયન યુનિયન પ્રતિબંધ લાદશે.આ સમાચારના કારણે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૩૯ ડોલરની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા અને અત્યારે તે ૧૨૮-૧૨૯ ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યા છે.
ક્રુડ ઓઈલના ભાવ વધે તેની સીધી અસર ભારત ઉપર પડવાની છે,ભારતના ગ્રાહકો ઉપર મોટો બોજ પડવાનો છે.ભારત તેની કુલ જરૂરીયાતના ૮૦ ટકા ક્રુડની આયાત કરે છે.વૈશ્વિક બજારમાં ભાવ વધે તો ભારતની આયાતનો ખર્ચ વધશે.ક્રુડ ઓઈલનું રીફાઈનીંગ કરી તેમાંથી પેટ્રોલ,ડિઝલ,રાંધણ ગેસ,કેરોસીન,પેટકોક અને લગભગ અન્ય હજારો પેટ્રોકેમીકલ્સ તેમાંથી બને છે.પેટ્રોલ અને ડિઝલ સૌથી વધુ વપરાતા ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ છે અને તેનો બોજ સૌથી મોટો પડે છે.
ક્રુડ ઓઈલના ભાવ સરેરાશ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ રહે,ભારત સરકાર તેની એક્સાઈઝ ડ્યુટીની આવક જતી કરી પેટ્રોલ અને ડિઝલ ઉપરની ડ્યુટી વધુ રૂ.૧૦ પ્રતિ લીટર ઘટાડે તો પણ ભારતીય ઉપર ઊંચા ભાવનો બોજ આવી પાડવાનો છે.આ બોજ લગભગ રૂ.૧.૭૦ લાખ કરોડ થશે એટલે કે ૨૨ અબજ ડોલર!
સરેરાશ ૧૨૦ ડોલર પ્રતિ બેરલના ક્રુડ ઓઈલના ભાવના કારણે પેટ્રોલ વપરાશના લીધે દેશની જનતા ઉપર રૂ. ૫૨,૨૦૦ કરોડ, ડિઝલના લીધે રૂ.૨૨,૯૦૦ કરોડ અને રાંધણ ગેસના લીધે રૂ.૮૭,૫૦૦ કરોડનો બોજ ભારત ઉપર પડી શકે એવી આગાહી કોટક ઇન્સ્ટીટયુશનલ ઇક્વીટીઝ દ્વારા આજે કરવામાં આવી છે.

