– પેટ્રોલ અને ડીઝલમાં રૂ. 20 સુધીના તોતિંગ ભાવવધારાની શક્યતા દિલ્હીમાં એક કીલો સીએનજીનો ભાવ વધીને 57.51 રૂપિયા થઇ ગયો : ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ચાર રૂપિયાનો વધારો
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં કીલોદીઠ 0.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં લીટર દીઠ 20 રૂપિયા તોતિંગ વધારો ઝીંકવામાં આવે તેવી શક્યતા છે.
જો કે હાલમાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ પરના ભાવવધારા અંગે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ પર ચાંપતી નજર રાખી રહી છે.
દિલ્હીની એનસીટીમાં સીએનજીનો ભાવ 56.51 રૂપિયાથી વધીને 57.51 રૂપિયા થઇ ગયો છે તેમ દિલ્હીમાં રીટેલ સીએનજી અને પાઇપ દ્વારા કૂકિંગ ગેસ પૂરી પાડતી કંપનીના વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ વધવાને પગલે એ કીલો સીએનજીના ભાવમાં 0.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીમાં સીએનજીના ભાવમાં કુલ ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી ઉપરાંત નોઇડા,ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પણ સીએનજીના ભાવમા એક રૂપિયાથી વધુનો વધારો થયો છે.આ વિસ્તારોમાં આજથી એક કીલો સીએનજીનો ભાવ વધીને 59.58 રૂપિયા થઇ ગયો છે.
મુંબઇમાં સીએનજીના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.ત્યાં એક કીલો સીએનજીનો ભાવ 66 રૂપિયા છે.ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હાલમાં પેટ્રોલનો ભાવ 95.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 86.67 રૂપિયા છે.જ્યારે મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 109.98 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.14 રૂપિયા છે.

