વારાણસી, તા. 09 માર્ચ 2022, બુધવાર : આ વખતે 10 માર્ચે હોળી પહેલા હોળી જેવો માહોલ સર્જાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે તમામ પક્ષોના કાર્યકરો અને આગેવાનોએ ઉજવણીની તૈયારીમાં જોડાઈ ગયા છે. 10 માર્ચે જાહેર થનાર ચૂંટણીના પરિણામને લઈને સપા,બીજેપી અને કોંગ્રેસ જીતનો દાવો કરી રહ્યું છે.આવી સ્થિતિમાં બનારસની ગુલાલ મંડીમાં ગુલાલની માંગ વધી છે પરંતુ એક્ઝિટ પોલમાં ભાજપની લીડને જોતા કેસરી રંગની માગ વધી છે.
વારાણસીની દાલમંડી,જ્યાં ગુલાલનું સૌથી મોટું બજાર ભરાય છે.મંગળવારે સવારથી જ આ બજારમાં ભીડ દેખાવા લાગી હતી.એમ તો આ મંડીમાં બધા રંગોના ગુલાલ મળે છે પરંતુ લાલ અને કેસરીયા રંગની માગ વધારે છે.ગ્રાહકો તેની વધુ ડિમાંડ કરી રહ્યા છે.સ્થિતિ એવી થઈ ગઈ છે કે,આ બંને રંગોનો અલગથી ઓર્ડર આપવો પડી રહ્યો છે.છૂટક ભાવથી લઈને જથ્થાબંધ ભાવમાં પણ ખરીદદારો વધારે થઈ ગયા છે.બનારસની સાથે સાથે આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો કેસરીયા અને લાલ ગુલાલનો ઓર્ડર આપવા સવારથી જ ત્યાં પહોંચી જાય છે.દાલમંડીમાં ગુલાલના જથ્થાબંધ વેપારી મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે,માહોલ જોઈને એવું લાગે છે કે,આ વખતે હોળી બે વાર ઉજવવામાં આવશે.બજારમાં લાલ અને કેસરીયા રંગના ઓર્ડર વધારે આવી રહ્યા છે પરંતુ આ બંનેમાં કેસરીયો રંગ સૌથી વધારે વેચાય રહ્યો છે.એક્ઝિટ પોલમાં ભાજપની લીડને જોતા ભાજપના સમર્થકો કેસરીયા ગુલાલની માગ કરી રહ્યા છે.

