નવી દિલ્હી, તા. 9. માર્ચ 2022 બુધવાર : યુપી વિધાનસભા ચૂંટણીના પરિણામ 10 માર્ચે આવશે પણ તે પહેલા જ સમાજવાદી પાર્ટીએ ઈવીએમને લઈને વિરોધ પ્રદર્શન શરુ કરી દીધા છે.
વારાણસીમાં ઈવીએમની હેરફેર કરાઈ રહી હોવાનો આક્ષેપ ગઈકાલે સપાના પ્રમુખ અખિલેશ યાદવે કર્યો હતો.એ પછી વારાણસીના ઉચ્ચાધિકારી દીપક અગ્રવાલે કહ્યુ છે કે,ઈવીએમના પ્રોટોકોલમાં ખામી રહી ગઈ હતી.
તેમનુ નિવેદન વાયરલ થઈ રહ્યુ છે.ઈવીએમ મૂવમેન્ટ માટેના પ્રોટોકોલમાં ખામી રહી ગઈ છે પણ હું દાવા સાથે કહી શકું છું કે,પોલિંગ માટે વપરાયેલા ઈવીએમમાં કોઈ છેડછાડ થઈ નથી.કારણકે સ્ટ્રોંગ રુમ પર ત્રણ લેયરની સિક્યુરિટી હોય છે.
ઉલ્લેખનીય છે કે,વારાસણીમાં ગઈકાલે ગોડાઉનમાંથી ઈવીએમ કાઢીને ટ્રેનિંગ માટે યુપી કોલેજ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે સપાના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો અને કહ્યુ હતુ કે,ઈવીએમ બદલવામાં આવી રહ્યા છે.
દરમિયાન તંત્રનુ કહેવુ છે,કેટલાક રાજકીય કાર્યકરોએ ઈવીએમનુ વાહન રોકીને અફવા ફેલાવી છે.આ મશિન કાઉન્ટિંગ ડ્યુટી કરનારા કર્મચારીઓની ટ્રેનિંગ માટે લઈ જવાયા હતા.

