લખનઉ, તા.૧૦ : ઉત્તર પ્રદેશમાં ભાજપનું સતત બીજી વખત સત્તા પર પાછા ફરવાનું નિશ્ચિત છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે લગભગ ત્રણ દાયકા પછી ‘નોઈડા માન્યતા’ તોડી છે.ઉત્તર પ્રદેશમાં ૩૦ વર્ષથી એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે નોઈડા આવનારા મુખ્યમંત્રી સત્તા ગુમાવે છે.જોકે,યોગીએ આ માન્યતા તોડી છે.
ચૂંટણી પરિણામો મુજબ યોગી આદિત્યનાથે ગોરખપુર શહેર પરથી વિજય મેળળ્યો છે.બીજીબાજુ ભાજપ પણ ગૌતમબુદ્ધ નગર જિલ્લાની ત્રણેય બેઠકોમાં વિજય મેળવી રહ્યો હોવાનું જણાય છે. આ જિલ્લામાં નોઈડા,દાદરી અને જેવર વિધાનસભા ક્ષેત્ર આવે છે.લગભગ ત્રણ દાયકાથી કહેવાય છે કે નોઈડાના ગૌતમબુદ્ધ નગર જિલ્લાનો પ્રવાસ કરનારા ઉત્તર પ્રદેશના કોઈપણ મુખ્યમંત્રી સત્તામાં પાછા ફરતા નથી.
તાજેતરના ઈતિહાસની વાત કરીએ તો માર્ચ ૨૦૦૭માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદની શપથ લેનારા માયાવતી તે વર્ષે પોતાના નજીકના સાથી સતીષ મિશ્રાના સંબંધીના લગ્નમાં હાજરી આપવા નોઈડા ગયા હતા.જોકે,બસપ પ્રમુખના આ સાહસિક પગલાંએ આ માન્યતા તોડવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ ૨૦૧૨માં તેમણે સત્તા ગુમાવતા આ માન્યતા વધુ દૃઢ થઈ હતી.
આ અગાઉ,તેમના પૂરોગામી મુખ્યમંત્રીઓ મુલાયમ સિંહ યાદવ,ભાજપના રાજનાથ સિંહ અને કલ્યાણસિંહ તેમના કાર્યકાળ સમયમાં નોઈડા આવ્યા જ નહોતા.૨૦૧૨માં સીએમ બનનાર અખિલેશ યાદવે પણ વ્યક્તિગતરૂપે નોઈડા ન આવવાની પરંપરા જાળવી રાખી હતી.જોકે,વર્ષ ૨૦૧૭માં રાજ્યનું સુકાન સંભાળ્યા પછી યોગી આદિત્યનાથ અનેક વખત નોઈડાનો પ્રવાસ કરી ચૂક્યા છે.તેમણે નોઈડામાં મેટ્રોના ઉદ્ધટાન ઉપરાંત અનેક અન્ય પ્રોજેક્ટ શરૂ કર્યા હતા.જાન્યુઆરીમાં તેમણે ગૌતમબુદ્ધ નગર પહોંચીને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
વધુમાં ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૧૫ વર્ષમાં પહેલી વખત કોઈ ધારાસભ્ય મુખ્યમંત્રી બનશે.યોગી આદિત્યનાથ ૨૦૧૭માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ લોકસભાના સાંસદ હતા.હવે તેઓ ગોરખપુર શહેરમાંથી ચૂંટણી જીતીને સતત બીજી વખત મુખ્યમંત્રી બનશે.તેમના પૂરોગામી અખિલેશ યાદવ એમએલસી (વિધાનપરિષદના સભ્ય) હતા. તેઓ ૨૦૧૨માં કોઈ બેઠક પરથી ચૂંટણી લડયા નહોતા.એ જ રીતે માયાવતી પણ ૨૦૦૭માં એમએલસી હતા.તેઓ પણ ૨૦૦૭માં કોઈ બેઠક પર ચૂંટણી લડયા નહોતા.
‘નોઈડા આવનાર સત્તા ગુમાવે છે’ની માન્યતા યોગી આદિત્યનાથે તોડી

Leave a Comment

