વોશિંગ્ટન, 15 માર્ચ,2022,મંગળવાર : રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ 20માં દિવસે યથાવત રહી છે.બંને દેશો વચ્ચે યુધ્ધ દરમિયાન શાંતિ મંત્રણા તો થાય છે પરંતુ કોઇ નકકર પરીણામ હાથ આવતું નથી.આથી યુદ્ધ વધુને વધુ ગતિ પકડતું જાય છે.રશિયાએ યુક્રેનના સૈન્ય સ્થળો ઉપરાંત હોસ્પીટલો અને સ્કૂલો સહિતના નાગરિક વિસ્તારમાં પણ હુમલાઓ કરતા પરીસ્થિતિ બગડી રહી છે.રશિયાનો રસાલો 20 દિવસે પણ યુક્રેનના પાટનગર કીવનો કબ્જો લઇ શકયો નથી.
આવા સંજોગોમાં અમેરિકાના એક પૂર્વ જનરલ બેન હોજેસે દાવો કર્યો છે કે જો યુધ્ધ લાંબુ ચાલશે તો રશિયાની આર્મીની પકકડ ઢીલી પડતી જશે એટલું જ નહી આવનારા 10 દિવસમાં ગોલા-બારુદ પણ ખતમ થઇ જશે.અત્યાર સુધી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની રણનીતિ નિષ્ફળ રહી હોય તેમ જણાય છે.
આ એક પ્રકારનું કિવક ઓપરેશન હતું જે પૂર્ણકાલિન યુધ્ધમાં ફેરવાઇ ગયું હોવાથી રશિયા ઘેરાઇ રહયું છે.રશિયાનું અનુમાન હતું કે તેની આર્મી બે કે ત્રણ દિવસમાં યુક્રેનને પોતાના કબ્જામાં લઇ લેશે પરંતુ એવું થયું નથી.આ યુધ્ધ હવે પુતિનની હતાશાથી વધારે કશું જ નથી.અમેરિકી સંરક્ષણ વિભાગે એવો દાવો કર્યો હતો કે રશિયા યુક્રેન સામે 900 થી વધુ મિસાઇલો ફાયર કરી છે.
શું રશિયા ચીન પાસેથી મદદ માંગી રહયું છે
રશિયાની રણનીતિમાં અત્યંત નાટયાત્મક બદલાવ આવી રહયો હોવાનું માનવામાં આવે છે.રશિયાએ સૈન્ય ઉપકરણો માટે ચીનની મદદ માંગી હોવાનું છેલ્લા કેટલાક સમયથી ચર્ચાય છે પરંતુ ચીને ઇન્કાર કરીને આને અમેરિકાનો અપપ્રચાર ગણાવ્યો હતો.અમેરિકાએ ચીનને ચેતવણી પણ આપી છે કે જો તે રશિયાને સૈન્ય મદદ કરશે તો તેના ખરાબ પરીણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.


