નવી દિલ્હી,તા.16.માર્ચ.2022 : ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ રજૂ થયા બાદ દેશ સમક્ષ કાશ્મીરી પંડિતોની વ્યથા પહેલી વખત આટલા મોટા પાયે રજૂ થઈ છે.
જોકે તેના પર પણ રાજનીતિ શરુ થઈ ગઈ છે.પીએમ મોદીએ આ ફિલ્મ જોવાની કરેલી અપીલ બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે,પીએમ મોદી પંડિતોના ઘા તાજા કરીને માત્ર ફાયદો ઉઠાવવા માંગે છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, 1990માં કાશ્મીરના પંડિતો પલાયન માટે મજબૂર થયા ત્યારે ભાજપના 85 સાંસદોના સમર્થન સાથે કેન્દ્રમાં વીપી સિંહની સરકાર હતી અને તેઓ શું કરી રહ્યા હતા…કેમ રાજ્યપાલે તે સમયે પંડિતોને પલાયન કરવા માટે ઉશ્કેર્યા હતા…
સૂરજેવાલાએ કહયુ હતુ કે,ભાજપ સમર્થિત સરકારમાં પંડિતોની હિજરત થઈ રહી હતી ત્યારે રાજીવ ગાંધીએ સંસદનો ઘેરાવ કરીને પંડિતો માટે અવાજ ઉઠાવ્યો હતો પણ ભાજપે પંડિતોના પલાયનને મૌન સમર્થન આપ્યુ હતુ અને પોતાના ફાયદા માટે દેશમાં રથ યાત્રા શરુ કરી હતી.જેના ઈવેન્ટ મેનેજર મોદી જ હતા.
તેમણે કહ્યુ હતુ કે,ભાજપમાં કોઈ બદલાવ આવ્યો નથી.આઠ વર્ષમાં મોદી સરકારે કાશ્મીરી પંડિતોને ફરી કાશ્મીરમાં વસાવવા માટે કોઈ કાર્યવાહી કરી નથી.નફરતની ખેતી કરીને રાજકીય ફાયદાની ઉપજ લેવામાં આવી રહી છે.
સૂરજેવાલાએ કહ્યુ હતુ કે,મોદી સરકારના આઠ વર્ષના શાસનમાં 1419 આતંકીઓ માર્યા ગયા છે અને 520 જ પંડિતોને નોકરી અપાઈ છે.તેમન માટે માત્ર 1000 ટ્રાન્ઝિટ મકાનો બન્યા છે.પંડિતો માટે આ સરકારે કશું કર્યુ નથી અને માત્ર ફિલ્મનો પ્રચાર થઈ રહ્યો છે.

